આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી

સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 44 ડિગ્રીથી વધુ તાપમન નોંધાયું હતું. હવામાન વિભાગે હજુ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જેથી આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. રવિવારની સરખામણીએ સોમવારે અનેક શહેરોમાં તાપમાન સામાન્ય ઘટ્યા હતા પરંતુ હજુ પારો 43 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાતા લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. બપોરના સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાતા અમદાવાદ,ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોના માર્ગો પર બપોરના સમયે કફર્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે.
ચાર દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. વધતી ગરમી અને હીટવેવની આગાહીને પગલે વહીવટી પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરના 12થી સાંજે 4 વાગ્યે દરમિયાન બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કહેરથી હાહાકાર મચી ગયો છે. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રીમાં શેકાયું હતું. બાંદામાં ગરમીનો જૂનો રેકોર્ડ તૂટયો હતો. અગાઉ 2022માં બાંદાનું મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના કેટલાય શહેરોનું તાપમાન 42-43 ડિગ્રીને પાર પહોંચીને 45 ડિગ્રીની નજીક નોંધાતા જનજીવન બેહાલ થયું. દેશના અનેક રાજ્યોમાં કેટલાય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આપ્યું છે. કેટલાય રાજ્યોમાં શાળા-કોલેજોનો સમય બદલી નાખવો પડયો હતો. દિલ્હીમાં બે દિવસ ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે.
જેસલમેર ૪૬.૪ ડિગ્રીમાં અગનભઠ્ઠી બન્યું. બાડમેરમાં ૪૬ ડિગ્રી, ફલોદીમાં ૪૫.૪, ચુરુમાં ૪૫.૩, બિકાનેરમાં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ભારતના તો સંખ્યાબંધ શહેરોમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૪ની નજીક રહ્યો હતો. દેશના અનેક રાજ્યોના જિલ્લા સરકારી તંત્રએ શાળા-કોલેજોના મેનેજમેન્ટને તાકીદ કરી હતી કે બાળકો હીટવેવનો ભોગ ન બને તેવા પગલાં ભરવા સૂચના આપી છે. ઓઆરએસ અને ઠંડું પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ થયો હતો. અનેક શાળાઓની આઉટડોર એક્ટિવિટી તાકીદને અસરથી બંધ કરવામાં આવી હતી. વાલીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે બાળકોને શાળાએ મોકલતા પહેલાં તેમને હીટવેવથી બચાવવાના ઉપાયોનું ધ્યાન રાખો. તેમને પાણીની બોટલો આપવાની સાથે માથે પહેરવા કેપ આપવા સહિતની ભલામણો કરવામાં આવી હતી.ઓડિશા, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો હતો. ઓડિશાના છ જિલ્લામાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રીની વચ્ચે નોંધાતા સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી હતી.
https://www.instagram.com/timenewsguj