સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ હાજર પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી અને રાજ્યના વર્તમાન મુદ્દાઓ પર પોતાના નિવેદનો આપ્યા હતા.
રાજ્યમાં ચાલી રહેલા GEN-Z આંદોલન મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, “આંદોલન તો આઝાદી વખતે પણ થતા હતા અને આંદોલન આઝાદી બાદ પણ થયા છે. ગુજરાતમાં જ્યારે નવનિર્માણ આંદોલન થયું હતું તે સમયે હું પણ જોડાયો હતો. GEN-Z માત્ર એક નવો શબ્દ આવ્યો છે.” તેમણે ઉમેર્યું કે યુવાઓ જ્યારે કોઈ વિચાર, પ્રેરણા કે પ્રોત્સાહન મળે છે ત્યારે આંદોલન કરતા હોય છે. આ સાથે તેમણે સરકારને પણ સલાહ આપતા કહ્યું કે, સામે પક્ષે સરકારે પણ યુવાનોને પ્રેમથી સમજાવીને આંદોલન સમેટવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે દિલ્હીના જંતર-મંતર ખાતે પણ સરકારે સમજદારીપૂર્વક આંદોલનનો અંત લાવ્યો હતો.
ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે સોમનાથ દાદાના દર્શને પહોંચેલા નીતિન પટેલે વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી. તેમણે લઠ્ઠાકાંડ અંગે નિવેદન આપતા કહ્યું કે, લઠ્ઠા બનાવનારને તેના કર્મોની સજા ભગવાને જ આપી દીધી છે. આ ઉપરાંત, લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે પણ નીતિન પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. રાજ્યના 10 જિલ્લામાં હજુ પણ 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે, જેને લઈને નીતિન પટેલે જણાવ્યું કે અનેક જિલ્લામાં હજુ ખેતીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝૂકાવીને રાજ્યમાં સારો વરસાદ થાય તે માટે ખાસ પ્રાર્થના કરી હતી.