પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર)માં નીતિન કુમાર વિજેતા, ચીનમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે

ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે જેડીસી-વર્લ્ડ કપ ઓફ ડાર્ટ્સ (ઈન્ડિયા ક્વોલિફાયર)ના સમાપન બાદ પીડીસી એશિયન ચેમ્પિયનશિપ-નેશનલ ક્વોલિફાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. પીડીસી એશિયન ચેમ્પિયનશિપમાં 3 ટૂર ઈવેન્ટ્સ બાદ નીતિન કુમાર વિજેતા બન્યો હતો. જે ચીનના ચિંગદાઓ ખાતે ભારતનું એશિયન ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્ત્વ કરશે.


નીતિન કુમારે 3 માંથી 2 ટૂર ઈવેન્ટમાં જીત મેળવવાની સાથે 1 ટૂર ઈવેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. નીતિન કુમારે ગુજરાત ડાર્ટ કાઉન્સિલ દ્વારા 25 હજારની પ્રાઈઝમની જીતવાની સાથે 750 ગેરેન્ટેડ યુએસ ડૉલરની પ્રાઈઝમની પણ મેળવશે. જો તે એશિયન ચેમ્પિયનશિપમાં વિજેતા બને તો તેની પાસે 12 હજાર ડૉલર જીતવાની તક પણ રહેશે. કર્ણાવતી ક્લબ ખાતે જ 25મી જૂનનાં રોજ કર્ણાવતી ક્લબના મેમ્બર્સ તથા ગુજરાત હાઈકોર્ટના મિટ્ટી કાફેના કર્મચારીઓ માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જે પછી નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ અને અંતે પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર) સાથે ડાર્ટ્સ સ્પર્ધાઓનો અંત આવ્યો હતો.


ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા ઓવરઓલ 4 લાખ રૂપિયાથી વધુની પ્રાઈઝમની રાખવામાં આવી હતી. જે કોઈપણ નેશનલ રેન્કિંગ ડાર્ટ્સ ટૂર્નામેન્ટ માટે સૌથી મોટી પ્રાઈઝમની હતી. નેશનલ રેન્કિંગ વિજેતા નિખિલ રૉયને સિંગલ્સ જીતવા પર 40 હજાર અને ડબલ્સ ઈવેન્ટ માટે 20 હજાર રૂપિયાની પ્રાઈઝમની મળી હતી. કૂલ 150થી વધુ ખેલાડીઓ 6 દિવસ સુધી ચાલેલ ડાર્ટ્સ ટૂર્નામેન્ટમાં સામેલ થયા હતા. આ ખેલાડીઓ દેશના વિવિધ રાજ્યોમાંથી આવ્યા હતા. અમદાવાદમાં યોજાયેલ આ ટૂર્નામેન્ટ દેશમાં કોઈપણ સ્થળે આયોજીત સૌથી લાંબી ડાર્ટ્સ ટૂર્નામેન્ટ બની. તમામ ખેલાડીઓ દ્વારા ડાર્ટ્સની રમતના આ મહોત્સવની મજા માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *