રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા નાગરિકો માટે ઈનામની રકમ વધારીને ₹25,000 કરવાની જાહેરાત કરી છે. હાલમાં આ રકમ ₹5,000 છે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન અભિનેતા અનુપમ ખેર સાથેની વાતચીતમાં ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયને સૂચના આપી દીધી છે.
તેમણે કહ્યું કે અકસ્માતના ભોગ બનેલા લોકોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડનાર વ્યક્તિ માટે વર્તમાન ઈનામની રકમ ઘણી ઓછી છે. જો અકસ્માતના એક કલાકની અંદર (ગોલ્ડન અવર) પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેમના બચવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. લોકોને પીડિતોની મદદ કરવા અને તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા હેતુથી કેન્દ્ર સરકારે ઑક્ટોબર 2021થી આ પુરસ્કારની શરૂઆત કરી હતી.
વર્તમાન યોજના હેઠળ, મદદ કરનાર વ્યક્તિને ઈનામની રકમ સાથે માન્યતા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ઈનામની રકમ યોગ્ય વ્યક્તિને મળે તે સુનિશ્ચિત કરવા માટે ચકાસણી પ્રક્રિયા પણ રાખવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની નીતિ મુજબ, જીવલેણ અકસ્માતના પીડિતોની મદદ કરનાર વ્યક્તિ જ આ પ્રોત્સાહન અને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે.