
દેશમાં હાલ ભારે ગરમીનો માહોલ છે પરંતુ આ વચ્ચે લોકો માટે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા વહેલું આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં તેનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું નોંધાઈ રહ્યું છે જેના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. આવી સ્થિતિમાં વહેલા ચોમાસાના સમાચાર લોકો માટે આશાની કિરણ સમાન છે.
એપ્રિલ મહિનાથી જ દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ વધ્યો છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે આ તીવ્ર ગરમી વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે સામાન્ય સમય પહેલા આવી શકે છે. જો આવું થાય તો મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. જે ગરમી માંથી રાહત આપશે.
હવામાન સંસ્થાઓના અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆત વહેલી થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું સામાન્ય રીતે સૌપ્રથમ પહોંચે છે. અને આ વખતે 18 થી 25 મે દરમિયાન ત્યાં ચોમાસું શરૂ થવાની શક્યતા છે. હવામાન મોડેલ દર્શાવે છે કે હિંદ મહાસાગરમાંથી ભેજવાળા પવનો વધુ સક્રિય બની રહ્યા છે. જે બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર વિસ્તારમાં વધુ વરસાદ લાવી શકે છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં 30 થી 60 મીમી વધારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આંદામાન નજીક ઉષ્ણકટિબંધીય સિસ્ટમ બનવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. જે ચોમાસાને આગળ ધપાવવામાં મદદરૂપ બનશે.
આ સમાચાર આખા ભારત માટે ખાસ મહત્વના છે. કારણ કે ત્યાંની ખેતી અને પાણીની જરૂરિયાતો મોટા પ્રમાણમાં ચોમાસા પર આધાર રાખે છે. જો ચોમાસું વહેલું આવે તો ખેડૂતોને સમયસર વાવણી શરૂ કરવાની તક મળશે અને પાણીની સમસ્યામાં પણ રાહત મળશે. હવામાન પર અસર કરનારા કેટલાક પરિબળો પણ આ વર્ષે અનુકૂળ જણાઈ રહ્યા છે. જેમ કે હિંદ મહાસાગર ડાયપોલ (IOD). આ સ્થિતિમાં ભારત તરફ વધુ ભેજ આવે છે. જે ચોમાસાને મજબૂત બનાવે છે. નિષ્ણાતો મુજબ જો હાલની પરિસ્થિતિ યથાવત રહે છે તો ચોમાસું લગભગ 25 મે આસપાસ ભારતમાં પ્રવેશી શકે છે. હાલમાં ભલે ગરમીથી લોકો પરેશાન હોય. પરંતુ વહેલા ચોમાસાની આશા નજીકના સમયમાં મોટી રાહત આપી શકે છે.
