ભારતે 13 પાકિસ્તાની એરક્રાફ્ટ અને 11 બેઝ તબાહ કર્યા, ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાનો નવો ખુલાસો

ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાની ત્રણેય પાંખની પત્રકાર પરિષદનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વાયુસેના, નૌકાદળ અને થલસેનાના સૈન્ય અભિયાનોના પ્રમુખોએ ઓપરેશન સિંદૂરની માહિતી આપતા કહ્યું હતું કે પાકિસ્તાનના 13 એરક્રાફ્ટ અને 11 એરબેઝ ભારતીય સેનાએ કર્યા તબાહ કર્યા હતા.ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ અને તેના સમર્થકો સામે કડક કાર્યવાહી કરીને વિશ્વ સમક્ષ પોતાની સૈન્ય ક્ષમતાનો મજબૂત સંદેશ આપ્યો છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ ભારતી અને વાઇસ એડમિરલ એએન પ્રમોદે સંયુક્ત પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે આ ઓપરેશન માત્ર લશ્કરી કાર્યવાહી નહોતું. પરંતુ દેશની સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ ભારતના અડગ સંકલ્પનું પ્રતિક હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતે આ કામગીરી દરમિયાન પાકિસ્તાનના 13 વિમાનોને તોડી પાડ્યા હતા અને 11 મહત્વના ઠેકાણાઓનો નાશ કર્યો હતો અને આટલું જ નહીં પણ સાથે 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.
તે સમયે DGMO તરીકે ફરજ બજાવતા લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પહેલગામમાં શહીદ થયેલા 26 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ભારતના સૈન્ય ઇતિહાસમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું છે. સરકાર તરફથી સશસ્ત્ર દળોને સંપૂર્ણ કામગીરીની સ્વતંત્રતા અને સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર ઓપરેશન અત્યંત વ્યાવસાયિક રીતે પાર પાડવામાં આવ્યું. જનરલ ઘાઈએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારતીય લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમણે આ ઓપરેશનને લશ્કરી અને વ્યૂહાત્મક રીતે “ગોલ્ડ સ્ટાન્ડર્ડ” ગણાવ્યું હતું. ખાસ વાત એ રહી કે કામગીરીમાં વપરાયેલા 65 ટકાથી વધુ સંરક્ષણ સાધનો સ્વદેશી હતા. જે આત્મનિર્ભર ભારતની સફળતા દર્શાવે છે.
એર માર્શલ અવધેશ ભારતીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના આ સમગ્ર ઓપરેશનમાં અત્યંત અસરકારક સાબિત થઈ હતી. તેમણે કહ્યું કે ભારત ‘જીવો અને જીવવા દો’ની નીતિમાં વિશ્વાસ રાખે છે. પરંતુ કોઈ દેશ આ શાંતિને ભારતની નબળાઈ માને તો તેને કડક જવાબ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે સશસ્ત્ર દળોને સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી હતી અને પાકિસ્તાનમાં પહેલું હથિયાર પોતાના લક્ષ્ય સુધી પહોંચતા જ ભારતીય સૈનિકોનો આત્મવિશ્વાસ વધ્યો હતો. આ કાર્યવાહી શહીદોના પરિવારજનો માટે ન્યાય સમાન હતી. વાયુસેનાએ દુશ્મનની દરેક હરકતનો પહેલેથી અંદાજ લગાવીને જવાબી કાર્યવાહી કરી હતી. એર માર્શલે વધુમાં જણાવ્યું કે આત્મનિર્ભરતા હવે ભારતીય વાયુસેનાની સૌથી મોટી શક્તિ બની રહી છે અને મિશન સુદર્શન ચક્રમાં વાયુસેના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.