દિલ્લી પોલીસે લશ્કર આતંકી શબ્બીર લોનને ઝડપી પાડ્યો, મોટું કાવતરું નિષ્ફળ

દિલ્લીમાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને એક ખતરનાક કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવતા મોટી સફળતા મેળવી છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી શબ્બીર અહમદ લોનની દિલ્હી બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે બે મહિના લાંબી દેખરેખ બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે શબ્બીર બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે ભારતમાં આતંકી નેટવર્ક ઉભું કરી રહ્યો હતો. તે ઢાકા નજીકના એક ગુપ્ત સ્થળેથી આતંકવાદી સેલ ચલાવતો હતો અને દિલ્હી, કોલકાતા તેમજ તમિલનાડુમાં યુવાનોને ભરતી કરવાનું કામ સંભાળી રહ્યો હતો.શબ્બીર અહમદ લોન કોઈ નવું નામ નથી. તે શ્રીનગરના કંગન ગામનો રહેવાસી છે અને ‘રાજા’ તથા ‘કાશ્મીરી’ નામોથી પણ ઓળખાય છે. વર્ષ 2007માં તેને દિલ્હી પોલીસે AK-47 અને ગ્રેનેડ જેવા હથિયારો સાથે ઝડપ્યો હતો. તે કેસમાં તે લાંબા સમય સુધી તિહાર જેલમાં રહ્યો અને 2019માં જામીન મળ્યા બાદ બાંગ્લાદેશ ભાગી ગયો હતો. ત્યાંથી તે ફરી આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યો અને ભારત વિરોધી મિશનને આગળ વધારવા લાગ્યો. તપાસ એજન્સીઓ હવે તેની પૂછપરછ કરીને તેના નેટવર્ક અને ભારતમાં છુપાયેલા અન્ય સાથીદારો વિશે માહિતી મેળવી રહી છે.

આ ધરપકડને સુરક્ષા દળો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી અને દક્ષિણ ભારતમાંથી લશ્કરના અનેક મોડ્યુલોનો પર્દાફાશ થયો છે, જેમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવાના કેસ પણ સામે આવ્યા હતા. હાલમાં એજન્સીઓ બીજા આતંકી કિંગપિન શેખ સજ્જાદ ગુલની શોધમાં છે. જે 2017માં પાકિસ્તાન ભાગી ગયો હતો અને હવે TRF નામની લશ્કરની શાખાનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સમગ્ર કાર્યવાહીથી સંકેત મળે છે કે દેશની સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સામે વધુ સતર્ક બનીને કાર્યરત છે અને આવનારા સમયમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાની આગાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *