વર્ષનાં અંતમાં 44 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટકશે:ISROનું રેડ એલર્ટ

ISRO દ્વારા વર્ષ 2026ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ અને હવામાન ડેટાના આધારે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ત્રણ શક્તિશાળી વાવાઝોડાં આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે વાવાઝોડાંની કુલ વિનાશક ક્ષમતા (PDI) છેલ્લા 44 વર્ષના સરેરાશ કરતાં બમણી નજીક (83%વધુ) રહેવાનું અનુમાન છે. આગામી ત્રણ મહિનામાં દરિયાકાંઠાના રાજ્યો માટે ભારે પવન, અતિભારે વરસાદ અને ઊંચા મોજાંનો મોટો પડકાર ઉભો થઈ શકે છે. આ પૂર્વ-અનુમાનથી સરકારી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સમયસર તૈયારી કરવાનો મહત્ત્વની તક મળશે.
ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે 3 સાયક્લોનનું અનુમાન
ઇસરો(ISRO)ના જણાવ્યા મુજબ 2026ના પોસ્ટ-મોન્સૂન સિઝનમાં નોર્થ ઇન્ડિયન ઓશિયનમાં ત્રણ ચક્રવાતી વાવાઝોડાં(સાયક્લોન) બની શકે છે. PDIથી કોઈ પણ સાયક્લોનની તાકાતનો અંદાજ લગાવવામાં આવે છે. તેમાં વાવાઝોડાના પવનની ઝડપ કેટલી છે અને તે કેટલા સમય સુધી શક્તિશાળી રહે છે, જેવી બાબતો ધ્યાન પર લેવાય છે. સરળ ભાષામાં કહીએ તો, PDI જેટલો વધારે હશે, સાયક્લોન એક્ટિવિટી એટલી જ વધારે મજબૂત હોઈ શકે છે.
રિપોર્ટમાં 1982થી 2025 સુધી ઉત્તર હિંદ મહાસાગરમાં ચોમાસા પછીની સિઝનમાં આવેલા ચક્રવાતોની સંખ્યા અને તેમના PDIનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે દરમિયાન PDIની સરેરાશ 7.15×10⁶ નોટ્સ ક્યુબ રહી હતી. જ્યારે 2026ના ઓક્ટોબર-ડિસેમ્બરમાં તે વધીને 13.06×10⁶ નોટ્સ ક્યુબ સુધી પહોંચવાનું અનુમાન છે, એટલે કે આ વખતે માત્ર વાવાઝોડાંની સંખ્યા જ નહીં, પરંતુ પવનની ઝડપ અને વાવાઝોડું કેટલા સમય સુધી ટકી રહેશે તેનો પણ અંદાજ લગાવાયો છે.
આ ચોક્કસ અનુમાન તૈયાર કરવા માટે વાતાવરણ અને સમુદ્રની અલગ-અલગ પરિસ્થિતિઓ સાથે જોડાયેલા આશરે 40 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી મળેલી માહિતીના આધારે ઓક્ટોબરથી ડિસેમ્બરની ‘પોસ્ટ મોન્સૂન સિઝન’માં વાવાઝોડું બનવાની શક્યતાઓ અને તેની સંભવિત તાકાત પર અસર કરતા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને આ તારણ કાઢવામાં આવ્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે આ માહિતી શા માટે જરૂરી છે?
ઉત્તર હિંદ મહાસાગરની આસપાસ ભારત સહિત અનેક દેશોના દરિયાકાંઠાના વિસ્તારો વાવાઝોડાની ઝપેટમાં આવતા હોય છે. તેથી જો અગાઉથી જ અંદાજ હોય કે કોઈ ચોક્કસ સિઝનમાં સાયક્લોન એક્ટિવિટી વધારે રહી શકે છે, તો આગોતરી તૈયારીઓ કરવી સરળ બની જાય છે. સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ ટીમોને અગાઉથી જ સજ્જ રાખી શકે છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સમયસર ચેતવણી આપી શકાય છે અને જરૂર પડે તો દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પૂર્વ તૈયારીઓ પણ કરી શકાય છે. જોકે, આ અનુમાન કોઈ એક ચોક્કસ વાવાઝોડાની તારીખ, રસ્તો કે લેન્ડફોલની ચોક્કસ જગ્યા દર્શાવતું નથી. તે માત્ર આખી સિઝન દરમિયાન વાવાઝોડાની એકંદર પ્રવૃત્તિનો અંદાજ આપે છે.