અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદમાં મટોડા GIDCમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી બાવળા તરફ જતા હાઈવે પર મટોડા GIDC નજીક આવેલી ચોકલેટ બનાવતી કંપનીમાં 6 નવેમ્બરની રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.
મટોડા GIDCમાં આવેલી જાણીતી ચોકલેટ બનાવતી કંપનીમાં રાત્રે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે કામગીરી શરૂ કરી હતી.
રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. પ્રાથમિક માહિતી મુજબ, સમયસર કામદારો બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, કંપનીમાં માલસામાન અને મશીનરીને નુકસાન થયું હોવાની આશંકા છે. બીજી તરફ, આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.