કરોડોના બજેટ છતાં કુપોષણ ન અટક્યું, ગુજરાતમાં 12 હજારથી વધુ બાળકોનાં મોત

Oplus_131072

ગુજરાત મોડલ અને વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે ગુજરાતના બાળ સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નાબૂદી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ પાણીની જેમ વહાવવામાં આવી રહ્યુ છે, છતાંય માસૂમ બાળકોને મોતના મુખમાંથી બચાવી શકાયા નથી. ખુદ કેન્દ્ર સરકારના આંકડા સાક્ષી પૂરે છે કે, રાજ્યમાં નવજાત શિશુઓના મોતમાં સતત વધારો થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2021 માં ગુજરાતમાં 11,815 નવજાત શિશુઓએ જીવ ગુમાવ્યા હતા. આ કાળમુખો આંકડો ઘટવાને બદલે વર્ષ 2024માં વધીને 12,492 પર પહોંચી ગયો છે. એટલે કે એક વર્ષથી ઓછી વયના નવજાત શિશુઓના મોતમાં સીધો 677નો વધારો નોંધાયો છે. આ આંકડા તબીબી સુવિધાઓ અને સરકારી દાવાઓની પોલ ખોલી રહ્યા છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓના અભાવે બાળકો વધુ મૃત્યુ પામે છે. પરંતુ ચાલુ વર્ષના આંકડા આંખ ઉઘાડનારા છે. વર્ષ 2024માં 1થી 4 વર્ષના 851 શિશુઓ ગ્રામ્ય વિસ્તારમાં મોતને ભેટ્યા, તેની સામે શહેરી વિસ્તારોમાં આ આંકડો ત્રણ ગણો એટલે કે 2,379 નોંધાયો છે. શહેરોમાં વસ્તીનું ભારણ, સ્લમ વિસ્તારોમાં કથળેલું આરોગ્ય અને કુપોષણ આ માટે મુખ્ય જવાબદાર મનાય છે. વળી, જાતિ આધારિત મોતમાં પણ મોટો તફાવત છે, જેમાં છોકરીઓ કરતાં છોકરાઓનું મૃત્યુ પ્રમાણ ઘણું ઊંચું છે.

રાજ્ય સરકાર દર વર્ષે આંગણવાડી, પોષ્ટિક આહાર અને બાળ કલ્યાણ યોજનાઓ પાછળ અબજો રૂપિયાના અંદાજપત્રો મંજૂર કરે છે. જો આ નાણાં ખરેખર યોગ્ય જગ્યાએ વપરાતા હોય, તો કુપોષણની કૂખમાંથી જન્મતા માસૂમોના મોક કેમ રોકાતા નથી તે ઉકેલ માંગતો કોયડો છે. વહીવટી તંત્રની ઉદાસીનતા અને યોજનાઓના નબળા અમલીકરણને કારણે આજે ગુજરાતનું ભવિષ્ય પારણામાં જ દમ તોડી રહ્યું છે. હવે કાગળ પરની સમીક્ષાઓ છોડી નકર પગલાં લેવાશે તો પરિણામ મળી શકે તેમ છે.

નવજાત શિશુના મોતના જવાબદાર પરિબળ

•અધૂરા મહિને જન્મ: ગર્ભવતી મહિલાઓમાં પોષણના અભાવે નવજાત શિશુઓ નબળા જન્મે છે.
•જન્મજાત ખામી-ગંભીર ચેપ: યોગ્ય સમયે સારવાર ન મળતા સેપ્સિસ-ન્યુમોનિયા માસૂમોનો જીવ લે છે.
•નિષ્ણાતોની અછત: ગ્રામીણ હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ,બાળરોગ નિષ્ણાતોની જગ્યા ખાલી પડી છે
•અંતરનું અંતરાય : સારવારના સમયે ગામડાંથી શહેર સુધી પહોંચવામાં વિલંબ જીવલેણ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *