દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

સામાન્ય રીતે લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા અને તેના પર નિશ્ચિત વળતર મેળવવા માટે બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવતા હોય છે. પરંતુ ઘણીવાર બેંકો પોતાની મરજી મુજબ વ્યાજદરમાં ફેરફાર કરતી હોય છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે બેંકોની મનમાની પર કાયમી લગામ લગાવશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજના દરમાં મનસ્વી રીતે ઘટાડો કરી શકે નહીં. આવું કરવા માટે બેંક પાસે યોગ્ય અને કાયદેસરનું કારણ હોવું અત્યંત આવશ્યક છે. ખાસ કરીને જ્યારે કોઈ FD કોર્ટના આદેશથી બનાવવામાં આવી હોય, ત્યારે બેંકને વ્યાજદર ઘટાડવાનો કોઈ આપખુદ અધિકાર રહેતો નથી.
આ કાનૂની વિવાદ 5.89 કરોડ રૂપિયાની એક ફિક્સ્ડ ડિપોઝિટ સાથે જોડાયેલો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરિટ્સ, એસ્બેસ્ટોસ એન્ડ પેઇન્ટ્સ લિમિટેડ નામની કંપનીઓ વચ્ચે કાનૂની જંગ ચાલી રહ્યો હતો. આ વિવાદ દરમિયાન જુલાઈ 2008 માં હાઈકોર્ટે આદેશ આપ્યો કે ટિફિન્સ બેરિટ્સના બેંક ખાતામાં રહેલી 85 મિલિયન (એટલે કે 8.5 કરોડ) રૂપિયાની રકમને સુરક્ષિત રાખવામાં આવે. આ રકમમાંથી 58.9 મિલિયન (5.89 કરોડ રૂપિયા) તે સમયની ABN એમ્રો બેંકમાં જમા કરાવવામાં આવ્યા. (આ બેંક પાછળથી રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને ત્યારબાદ નેટવેસ્ટ માર્કેટ્સ PLC તરીકે ઓળખાઈ). કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે આ 5.89 કરોડ રૂપિયાની રકમ તે સમયે બજારમાં ઉપલબ્ધ સૌથી વધુ વ્યાજદર આપતી FD માં રોકવામાં આવે.
બેંકે વ્યાજદરમાં કર્યો મનસ્વી ઘટાડો
શરૂઆતના તબક્કે આ FD પર બેંક દ્વારા 7.75 ટકા, ત્યારબાદ 8.25 ટકા અને ફરીથી 7.75 ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવતું હતું. પરંતુ અચાનક 30 જાન્યુઆરી, 2018 થી અમલમાં આવે તે રીતે બેંકે વ્યાજદરમાં તોતિંગ ઘટાડો કરીને તેને માત્ર 3.5 ટકા કરી દીધો. બેંકના આ એકતરફી નિર્ણય સામે હીરો એક્સપોર્ટ્સે સખત વિરોધ નોંધાવ્યો અને ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા.
કોર્ટની કાનૂની કાર્યવાહી અને બેંકનો બચાવ
મે 2019 માં દિલ્હી હાઈકોર્ટના એક સિંગલ જજે આ મામલે સુનાવણી કરતા બેંકને આદેશ આપ્યો કે વિવાદિત તમામ રકમ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાવવામાં આવે. કોર્ટે એવો પણ કડક નિર્દેશ આપ્યો કે 30 જાન્યુઆરી, 2018 થી મળવાપાત્ર વ્યાજની ગણતરી છેલ્લા 3 વર્ષમાં લાગુ પડતા સરેરાશ વ્યાજદરના આધારે જ થવી જોઈએ. નેટવેસ્ટ માર્કેટ્સ PLC એ આ નિર્ણયથી નારાજ થઈને હાઈકોર્ટની બે જજોની બેન્ચ સમક્ષ અપીલ કરી.
બેંકે પોતાનો બચાવ કરતા દલીલ કરી હતી કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, વાણિજ્યિક બેંકોને લોકલ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર જાતે નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. બેંકે એવું પણ જણાવ્યું કે જો FD ની સમયમર્યાદા (પાકતી મુદત) પૂરી થઈ જાય અને તેને રિન્યુ ન કરવામાં આવે, તો તે રકમ પર માત્ર બચત ખાતા (સેવિંગ્સ એકાઉન્ટ) જેટલો જ વ્યાજદર લાગુ પડે છે.
હાઈકોર્ટની બેન્ચનો અંતિમ ચુકાદો
ન્યાયાધીશ અવનીશ ઝિંગન અને ન્યાયાધીશ શૈલ જૈનની બેન્ચે બેંકની આ તમામ દલીલોને ફગાવી દીધી હતી. ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે સિંગલ જજના ચુકાદામાં કોઈ પણ પ્રકારની કાનૂની કે તથ્યગત ભૂલ નથી. આ તારણના આધારે કોર્ટે નેટવેસ્ટની અપીલને રદ કરી દીધી અને બેંકને 5.89 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ પર ઉચ્ચ દરે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો.