અમદાવાદ દરિયાપુર મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં મોટી કાર્યવાહી, DGPએ દરીયાપુર PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ જિલ્લાના દરિયાપુર સ્થિત ચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના દરોડા બાદ પોલીસ બેડામાં મોટી હલચલ મચી જવા પામી છે. આ કડક કાર્યવાહી અંતર્ગત રાજયના પોલીસ વડા દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી ગોહિલ અને સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
માહિતી મુજબ, ત્રણેય અધિકારીઓની બેદરકારીના કારણે તેમને સસ્પેન્ડ કર્યાનું ખુલ્યું છે. ઉપરાંત, દરિયાપુર પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગત 2 ઓગસ્ટના દરિયાપુર જીમખાનાના ક્લબ પર SMC એ રેડ પાડી હતી. આ રેડમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. જ્યારે આ રેડ સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસની જાણ બહાર કરી હતી. આ હાઈપ્રોફાઈલ રેડમાં SMC ટીમ દ્વારા 187 જુગારીઓને મોટી રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દરિયાપુરમાં જુગારધામનો પર્દાફાશ થયા બાદ અમદાવાદ મનપા 8 ઓગસ્ટના રોજ મનપસંદ જીમખાના સામે આકરા પગલાં લીધા હતા. અગાઉ સિટી સર્વે નંબર 3256 સહિતની આ મિલ્કતમાં ગ્રાઉન્ડ ફ્લોર સિવાયના માળ રહેણાંક હેતુ માટે મંજૂર થયેલ હતા. પરંતુ તેનો ગેરકાયદેસર રીતે જીમખાના તરીકે ઉપયોગ થતો હતો.
દરિયાપુરના મનપસંદ જીમખાનામાં નકશા વિરુદ્ધ બિનઅધિત પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવતા AMCએ સમગ્ર મનપસંદ જીમખાનું સિલ કરી દીધું છે, તેમજ બહાર નોટિસ પણ ચોંટાડી દેવાઈ છે. આ પહેલા અગાઉ પણ થર્ડફ્લોર પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને AMC દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.