દરિયાપુરના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં મોટી કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર સહિત 6 સામે PASA

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ખાતે ગત 3 ઓગસ્ટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા બાદ પોલીસે જુગારધામના મુખ્ય સૂત્રધાર સહિત આરોપીઓ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.

જુગારધામના કેસમાં મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સામે ગુનો નોંધાયો હતો. હવે PCB અમદાવાદની અલગ-અલગ ટીમોએ મોડી રાત્રે કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર સહિત કુલ છ આરોપીઓને અલગ-અલગ સ્થળેથી ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ ન લઈ શકે તે રીતે તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સહિત 6 સાગરીતો સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

PASA હેઠળ કાર્યવાહી કરાયેલા આરોપીઓમાં ગોવિંદ પટેલ, કિશોર પઢીયાર, નારાયણ રાવલ, આનંદ ઠાકોર, વિપુલ શાહ અને નિકુંજ ઉર્ફે કાલુ ખત્રીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની અલગ-અલગ જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધામ સામેની આ કાર્યવાહી બાદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ સામે માત્ર ગુનો નોંધીને નહીં, પરંતુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક પગલાં પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *