Mahashivaratri mela, bhavnath Junagadh: ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાયું

ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના મેળાનો આજથી પ્રારંભ થયો છે. આ મેળો 4 દિવસ ચાલશે. જે અંતર્ગત આજે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિ મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરિ મહારાજ, જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ, ઇન્દ્રભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ, બુદ્ધગીરી મહારાજ તેમજ જૂનાગઢ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જૂનાગઢ મનપાના અધિકારીઓ, જિલ્લા વહિવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ભાવિકો અને સાધુ- સંતો ઉમટી પડશે અને મેળાની મોજ માણશે.
બમ બમ ભોલે, મહાદેવ હરના નાદ સાથે મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. ભજન, ભોજન અને ભકિ્તનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો વર્ષોથી ઊજવાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળામાં ઊમટી પડે છે. દૂર દૂરથી દેશ-વિદેશથી સાધુ-સંતો પણ આવી પહોંચે છે. સાધુ-સંતો, નાગા બાવાઓ ધૂણી ધખાવી ભોળાનાથના ભજન કરે છે. ચાર દિવસ સુધી શિવરાત્રિનો મેળો યોજાશે. આજથી ચાર દિવસ સુધી ઉલ્લાસ સાથે લાખો લોકો મેળો માણવા આવશે. છેલ્લા દિવસે મેળાની પૂર્ણાહુતી શિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ થાય છે, જેમાં સાધુ-સંતો અવનવાં કરતબો કરતા હોય છે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં શાહી સ્નાન બાદ આ મેળો પૂર્ણ થાય છે.
આ પણ વાંચો, અમદાવાદના સ્થાપના દિવસે શહેરનાં નગરદેવી ભદ્રકાળીદેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે