Mahakumbh Update: મહાશિવરાત્રિના સ્નાન માટે ભારે ભીડ: 25 કિમી સુધી ટ્રાફિક જામ, ગુજરાતથી દોડતી અનેક ટ્રેનો રદ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં 26 મી ફેબુ્રઆરીએ મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ અત્યારથી જ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. 23 મી તારીખે રવિવારની રજા અને ઉપરથી કુંભ મેળાનો અંતિમ વિકેન્ડ હોવાથી અસંખ્ય લોકો મેળામાં પહોંચી ગયા છે. જોકે બીજી તરફ ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રયાગરાજની આસપાસ ૨૫ કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા.  

પોલીસ પ્રશાસન પણ હાલ સતર્ક છે અને પ્રયાગરાજ તરફ જનારા લોકોની સુરક્ષા માટે ડ્રોનથી ચાંપતી નજર રખાઇ રહી છે. પ્રયાગરાજ ઝોનના આઇજી પ્રેમ ગૌતમ, એસપી બૃજેશ કુમાર શ્રીવાસ્તવ, એએસપી રાજેશસિંહ સહિત મોટા પ્રમાણમાં પોલીસ જવાનો હાલ હાઇવે પર ટ્રાફિક કન્ટ્રોલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે યોગી સરકારે ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધુ છ  આઇપીએસ અધિકારી તૈનાત કર્યા છે. ૨૬મીએ એક સાથે લાખોની સંખ્યામાં લોકો પ્રયાગરાજમાં પહોંચશે તેને ધ્યાનમાં રાખીને હાલ પ્રયાગરાજ તરફના રસ્તાઓ પહોળા કરવાની સાથે ડાયવર્ઝન વધારી દેવામાં આવ્યું છે.

શનિવાર અને રવિવારથી જ પ્રયાગરાજ તરફ જનારા રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવેથી લઇને શહેર અને સંગમ તરફ જનારા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પ્રયાગરાજ શહેરમાં જ વ્યાપક જામ હોવાથી શ્રદ્ધાળુઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના નૈની તેમજ ઝૂંસી રેલવે માર્ગ, પ્રયાગરાજ જંક્શન, શાસ્ત્રી બ્રિજ, નૈની નયા પુલ સહિતના વિસ્તારોમાં રોડ અસંખ્ય વાહનોને કારણે જામ થઇ ગયા છે. ટ્રાફિક એટલો છે કે એમ્બ્યુલંસને જવા માટે પણ રસ્તો નથી મળી રહ્યો. જેને કારણે ગંભીર રીતે બીમાર દરદીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભીડને કારણે પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાં વેપાર પણ ઠપ રહ્યો. હાલ વાહનોની સંખ્યા એટલી વધી ગઇ છે કે તેમને વચ્ચે જ તૈયાર કરાયેલા પાર્કિંગમાં પાર્ક કરાવાઇ રહી છે અને વાહનોમાં આવનારા શ્રદ્ધાળુઓને બાદમાં શટલ બસો, ઇ-રિક્ષાઓ કે પગપાળા જ સંગમ તરફ રવાના કરાઇ રહ્યા છે.

દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનું પાલન કરનારા 120 કરોડ લોકોમાંથી અડધા સનાતનીઓ એટલે કે આશરે 62 કરોડ શ્રદ્ધાળુઓેએ મહાકુંભનો લાભ લીધો હતો. મહાકુંભનગરમાં કામકોટી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહારાજની હાજરીમાં સંતો સાથે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મહાકુંભ સનાતન ધર્મનું પાલન કરનારાઓ માટે પોતાના સંતોના આશિર્વાદ લેવા માટેનું પણ કેન્દ્ર સ્થાન બની ગયું. સદીમાં ભાગ્યે જ જોવા મળ્યું છે કે એક સ્થળે કરોડો લોકો એકઠા થયા હોય. મહાકુંભમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે.

મહાકુંભના છેલ્લા સ્નાન દરમિયાન, રેલ્વેએ બિહારથી પ્રયાગરાજ, બનારસ થઈને અન્ય શહેરો તરફ જતી 70 ટ્રેનો રદ કરી છે. તે જ સમયે, ડઝનબંધ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. પૂર્વ મધ્ય રેલ્વેએ રવિવારે તેની સંપૂર્ણ યાદી જાહેર કરીને માહિતી આપી છે. આવી સ્થિતિમાં હજારો રેલ્વે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રદ કરાયેલી ટ્રેનોમાં પુણે-દાનાપુર એક્સપ્રેસ, મહાબોધિ એક્સપ્રેસ, વિક્રમશિલા એક્સપ્રેસ, પુરુષોત્તમ એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.મહાકુંભમાં છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થવાનું છે. આ દિવસે પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થવાની અપેક્ષા છે. જોકે, રેલ્વે વહીવટીતંત્રે કહ્યું છે કે અનિવાર્ય કારણોસર, ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા ચલાવવામાં આવશે. પૂર્વ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સરસ્વતી ચંદ્રાએ રવિવારે આ માહિતી આપી.

આ પણ વાંચો, IND VS PAK: ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર:વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *