10 લાખ કલ્પવાસી, 45 કરોડ ભક્તો… મહાકુંભનો આજથી પ્રયાગરાજ ખાતે પ્રારંભ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરશે.
સનાતન આસ્થાનો ભવ્ય ઉત્સવ, મહાકુંભ 2025, આજથી તીર્થરાજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે શરૂ થશે. પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહાકુંભ મેળામાં કલ્પવાસની શરૂઆત પણ થશે. 2025 ના આ મહાકુંભમાં, 40 થી 45 કરોડ ભક્તો પ્રયાગરાજ આવે તેવી અપેક્ષા છે, જેઓ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં અમૃત સ્નાન કરશે. આ સાથે, લાખો ભક્તો સંગમના કિનારે મહાકુંભના કલ્પવાસની પ્રાચીન પરંપરાનું પ્રદર્શન કરશે. પૌરાણિક માન્યતા અનુસાર, ભક્તો એક મહિના સુધી સંગમના કિનારે નિયમિતપણે કલ્પવાસ કરશે.

પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે.  

સોમવારે મહાકુંભની શરૂઆત થાય તેના બે દિવસ પહેલા જ શનિવારે 35 લાખ શ્રદ્ધાળુઓએ અહીંયા શાહી સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજમાં મહાકુંભની વ્યવસ્થાના પરિક્ષણ માટે આવ્યા હતા. 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઇ રહી છે જેમાં શાહી સ્નાનની તારીખો પણ જાહેર કરાઇ છે જે મુજબ 13, 14 અને 29મી જાન્યુઆરીએ એટલે કે આ મહિને ત્રણ શાહી સ્નાન થશે. ફેબુ્રઆરી મહિનામાં 3, 12 અને 26 તારીખે શાહી સ્નાન કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ સાત હજાર બસો ચલાવવાનું આયોજન ઉત્તર પ્રદેશ રોડવેઝે કર્યું છે. જ્યારે જે સ્થળે મેળાવળો ભરાઇ રહ્યો છે ત્યાં જ 550 શટલ બસો ચલાવવામાં આવશે. અહીંના આયોજન સ્થળે 28 હજારથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. સાફ સફાઇ માટે 15 હજાર સફાઇકર્મીઓ તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓને કોઇ અસુવિધા ના થાય તે માટે 101 સ્માર્ટ પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. જેની એક દિવસની ક્ષમતા પાંચ લાખ વાહનોના પાર્કિંગની છે. મેળા ક્ષેત્રમાં પાણીની સુવિધા માટે 1250 કિલોમીટર લાંબી પાઇપલાઇન લગાવાઇ છે. આ ઉપરાંત ૬૭ હજાર એલઇડી લાઇટો, બે હજાર સોલર લાઇટો અને ત્રણ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા છે. 

મહાકુંભનું એક મહત્ત્વ એ પણ છે કે જે સ્થળે તે યોજાઇ રહ્યો છે ત્યાં એક કામચલાઉ મોટુ નગર ઉભુ કરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સ્થળે એક સમયે 50 લાખથી એક કરોડ શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમારના જણાવ્યા મુજબ સમગ્ર કુંભ મેળા પર ચાંપતી નજર રાખવા માટે ૫૫ પોલીસ સ્ટેશન ઉભા કરાયા છે, સુરક્ષા માટે 45000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મહાકુંભમાં 13 અખાડા ભાગ લઇ રહ્યા છે. પ્રયાગરાજ શહેરની દિવાલો ધાર્મિક રંગે રંગવામાં આવી છે. ચાર રસ્તા પર કળશ મુકવામાં આવ્યા છે. આયોજન સ્થળે વિશાળ ગેટ લગાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઇ રહી છે.  

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત આ મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે જેને પગલે લાખોની સંખ્યામાં લોકો આ મેળાવળામાં એકઠા થવા જઇ રહ્યા છે. દરમિયાન અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણીની પણ તૈયારી ચાલી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *