અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક

અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજી મંદિરની 149મી રથયાત્રા પૂર્વે આજે એટલે કે 29 જૂન 2026ના રોજ વહેલી સવારે 08:00 વાગ્યે ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા અત્યંત હર્ષોલ્લાસ સાથે કાઢવામાં આવી હતી. આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી જમાલપુર જગન્નાથ મંદિરેથી જળયાત્રા નીકળી છે. સૌપ્રથમ 12 હાથી અને બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા મંદિર પ્રાંગણની બહાર નીકળી યાત્રાની શરૂઆત થઈ હતી. સંતો અને મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરીને બોટ મારફતે નદીની વચ્ચેથી 108 કળશમાં પવિત્ર જળ ભર્યું હતું. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના નેતાઓ દ્વારા સાબરમતી નદીની પૂજા કરવામાં આવી છે.હવે આ જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. ભગવાનના દિવ્ય દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે સાંજે 04:00 વાગ્યે તેઓ વાજતે-ગાજતે સરસપુર સ્થિત પોતાના મોસાળ (મામાના ઘરે) પધારશે અને આગામી 15 દિવસ સુધી ત્યાં જ રહેશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.
જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળયાત્રાને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. સમગ્ર રૂટ પર ઢોલ-નગારા અને ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તેમજ હાથીઓની સુરક્ષા માટે કાંકરિયા ઝૂ અને પશુપાલન વિભાગના ડોક્ટરોની વિશેષ ટીમ ખડેપગે તૈનાત રહી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે 500થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે પોતાના મોસાળ સરસપુર પધારશે. પરંપરા મુજબ ભગવાન આગામી 15 દિવસ સુધી સરસપુરમાં નિવાસ કરશે. ત્યારબાદ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે 149મી ભવ્ય રથયાત્રા માટે નગરચર્યાએ નીકળશે. જળયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સમન્વય જોવા મળ્યો. વિવિધ અખાડાના ખેલૈયાઓએ પોતાના કરતબો રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું. સાથે જ ભજન મંડળીઓએ ભગવાનના ભજનો અને ધૂનથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.