અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

અવારનવાર લિફ્ટ સંબંધિત ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યાંય લિફ્ટ બંધ થઈ ગઈ અને લોકો ફસાઈ ગયા તો ક્યાંક લિફ્ટમાં કોઈ આવી ગયું અને જીવ મુશ્કેલીમાં મૂકાયો કે જીવ ગયો. એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જે ખુબ જ આઘાતનજક છે. રાજ્યમાં હજારો લિફ્ટ લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ છે, જેમાં માત્ર અમદાવાદમાં જ હજારો લિફ્ટ લાયસન્સ વગર ચાલી રહી છે. આવા મામલે ફક્ત નોટિસો આપીને સંતોષ મનાઈ રહ્યો છે પરંતુ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?
આ મામલે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં આવી છે, છતાં વહીવટી બેદરકારી યથાવત જોવા મળી રહી છે.
માત્ર લિફ્ટ જ નહીં, પરંતુ રાજ્યમાં અંદાજે 90 ટકા એસ્કેલેટરના લાયસન્સ પણ રીન્યુ થયા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા કાગળ પર નોટિસો અપાય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કે દંડ કરવામાં આવતો નથી.
મેન્ટેનન્સના અભાવે અને સમયસર લાયસન્સ રીન્યુ ન થવાને કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાયો છે.
મોટી દુર્ઘટનાનું જોખમ
આવા કેસોમાં જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી જવાબદાર તંત્ર અને બિલ્ડિંગ માલિકોએ વહેલી તકે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.