
મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ઇસ્લામાબાદમાં ઇરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થવાની શક્યતા છે, તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ પછી, ટ્રમ્પે 10મું યુદ્ધ બંધ કરવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત બાદ, 10 દિવસનો યુદ્ધવિરામ 16 એપ્રિલે સાંજે 5 વાગ્યાથી અમલમાં આવ્યો છે.
આ કરાર ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે એક મહિનાથી વધુ સમયના યુદ્ધ પછી થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, “મેં લેબનાન રાષ્ટ્રપતિ જોસેફ ઓન અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી. બંને દેશોના નેતાઓ 34 વર્ષમાં પહેલી વાર વોશિંગ્ટન, ડી.સી.માં સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મળ્યા. મેં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન રઝિન-કેન સાથે, ઇઝરાયલ અને લેબનાન સાથે કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરવા નિર્દેશ આપ્યો.”
તેમણે પોસ્ટમાં આગળ કહ્યું, “હું ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ અને લેબનાન રાષ્ટ્રપતિ જોસેફ ઓનને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપીશ. 1983 પછી ઇઝરાયલ અને લેબનીઝ વચ્ચે આ પ્રથમ અર્થપૂર્ણ સંવાદ હશે. બંને પક્ષો શાંતિ ઇચ્છે છે, અને મને વિશ્વાસ છે કે તે થશે, અને ખૂબ જ ટૂંક સમયમાં સ્થાપિત થશે.
લેબનોનના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો
અમેરિકા ભલે પોતાને નિર્ણાયક કરારના મધ્યસ્થી તરીકે રજૂ કરી રહ્યું હોય, પરંતુ વાસ્તવિકતા અલગ હોય તેવું લાગે છે. આજે શરૂઆતમાં, જોસેફ આઉને નેતન્યાહૂ સાથે સીધી વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસો બદલ આભાર માન્યો હતો.
તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, “યુદ્ધવિરામ પ્રાપ્ત કરવા અને લેબનોનમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસો બદલ આભાર. આ પ્રયાસોએ પ્રદેશમાં શાંતિ પ્રક્રિયાને આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો છે.” તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રયાસો ચાલુ રહેશે જેથી શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષ બંધ થઈ શકે.
