ઝારખંડ વિધાનસભા નજીક વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ:પ્રદર્શનકારીઓએ પાણીની બોટલો ફેંકી

ઝારખંડના રાંચીમાં JPSC-JSSCમાં ગેરરીતિ વિરુદ્ધ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા છે. ત્યાં, ધરણા શરૂ કરી દીધા. ત્યારબાદ વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓએ પાણીની બોટલો અને ચંપલ ફેંક્યા હતા.
પોલીસે પ્રદર્શનકારીઓને કાંટાળા તારની બેરિકેડિંગ અને વોટર કેનનથી રોકવાનો પ્રયાસ કર્યો તો વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચઢીને ડાન્સ કરતા જોવા મળ્યા.
વિધાનસભાને ચારેય બાજુથી 6 સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યાં, 9 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા દેવેન્દ્રનાથ મહતો એમ્બ્યુલન્સથી વિધાનસભા માર્ચમાં સામેલ થયા.
આ દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં CM હાઉસ સામે ધરણા પર બેઠા, જેમને બાદમાં પોલીસે ત્યાંથી હટાવી દીધા. વિદ્યાર્થીઓ ઝારખંડ JPSC-JSSCની પરીક્ષા રદ કરવાની માંગને લઈને 17 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર છે.
રવિવારે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. સરકારે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની લગભગ 98% માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. સરકારે JPSC-PT પરીક્ષા રદ કરવા સંમતિ દર્શાવી છે. જોકે, JSSC-CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસ કરાવવા અંગે સહમતિ સધાઈ નથી.
આયોગના 3 સભ્યોએ રાજીનામું આપ્યું
આ દરમિયાન JPSCમાં મોટો વહીવટી ફેરફાર પણ સામે આવ્યો છે. આયોગના ત્રણ સભ્યો-અજીતા ભટ્ટાચાર્ય, જમીલ અહેમદ અને અનિમા હાંસદાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્રણેય સભ્યોએ પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું હતું, જેને રાજ્યપાલે મંજૂર કરી લીધું છે.
આ પહેલા 22 જુલાઈએ JPSCના ચેરપર્સન એલ. ખિયાંગ્તે પણ રાજીનામું આપી ચૂક્યા હતા. હાલમાં, JPSCની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોની CID તપાસ કરી રહી છે. આ જ સિલસિલામાં આયોગના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે 10 ઓગસ્ટે ડો. અજીતા ભટ્ટાચાર્યની પૂછપરછ થવાની છે.