કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

કચ્છના નખત્રાણા પંથકમાંથી એક હચમચાવી દે તેવી ગોઝારી ઘટના સામે આવી છે. કોટડા જડોદર પાસે આવેલા મફતનગર (ભાગણવાડા) વિસ્તારમાં શનિવારે એક ભંગારના વાડામાં અચાનક એવો પ્રચંડ વિસ્ફોટ થયો કે આસપાસનો 5 કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો. આ ગોઝારા બ્લાસ્ટમાં એક જ પરિવારના 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સુંડાના જણાવ્યા અનુસાર, ઘટનાનો ભોગ બનનાર મામદ અને નૂરમામદ બંને સગા ભાઈઓ હતા અને ભંગારનો વ્યવસાય કરતા હતા. શનિવારે સાંજના સમયે તેઓ પોતાની ‘છોટા હાથી’ ગાડીમાં ભંગારની ફેરી કરીને ઘરે પાછા ફર્યા હતા. પોતાના ઘરના પાછળના ભાગે આવેલા વાડામાં જ્યારે બંને ભાઈઓ ગાડીમાંથી ભંગાર ખાલી કરી રહ્યા હતા, બરાબર તે જ સમયે અચાનક એક જોરદાર ધડાકો થયો હતો.

ધડાકાની તીવ્રતા એટલી ભયાનક હતી કે છોટા હાથી વાહનના પાછળના ભાગના કુરચેકુરચા ઊડી ગયા હતા અને તેની ડીઝલ ટાંકી પણ ફાટી ગઈ હતી. બ્લાસ્ટ થતાં જ બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દુર્ભાગ્યવશ, તે સમયે તેમની પાસે જ રમી રહેલા બંને માસૂમ બાળકો પણ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમણે પણ દમ તોડી દીધો.

મૃતકોની યાદી:

આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કુંભાર પરિવારના 4 સભ્યોના નામ નીચે મુજબ છે:

મામદ ઈલિયાસ કુંભાર (ઉંમર આશરે 30 વર્ષ)

નૂરમામદ ઈલિયાસ કુંભાર (ઉંમર આશરે 26 વર્ષ)

હસનેન મામદ (ઉંમર આશરે 3 વર્ષ)

નૂર ફાતિમા નૂરમામદ (ઉંમર આશરે 3 વર્ષ)

બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન છે કે ભંગારમાં આવેલી કોઈ શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ થવાથી વાહનની ડીઝલ ટાંકી ફાટી હશે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમ દોડી ગઈ હતી. હાલમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને એક્સપ્લોઝિવ એક્સપર્ટ્સની (વિશેષજ્ઞો) ટીમ સ્થળ મુલાકાત લઈને બ્લાસ્ટના મૂળ કારણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ એસપીએ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા તમામ લોકોને અપીલ કરી છે કે, તેઓ ભંગાર ખરીદતા કે સંગ્રહ કરતા પહેલા તેનું યોગ્ય વેરિફિકેશન (ચકાસણી) અને ડોક્યુમેન્ટેશન ચોક્કસ કરાવે. લાયસન્સના નિયમોનું કડક પાલન કરે અને જો કોઈ શંકાસ્પદ કે અજાણી વસ્તુ દેખાય, તો પહેલા પોલીસ કે નિષ્ણાતોને જાણ કરી તેની ખાતરી કરે, જેથી ભવિષ્યમાં આવી ગોઝારી ઘટનાઓ નિવારી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *