Kejriwal’s path to Rajya Sabha cleared: કેજરીવાલનો રાજ્યસભામાં જવાનો રસ્તો સાફ, પંજાબમાં AAPના સાંસદે બેઠક ખાલી કરી

AAP પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં મળેલી હાર બાદ હવે રાજકારણની નવી ઇનિંગ શરૂ કરી શકે છે. રાજકીય નિષ્ણાંતોમાં એવી અટકળો તેજ થઈ હતી કે કેજરીવાલ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે. હવે લુધિયાણા પેટાચૂંટણીમાં રાજ્યસભાના સાંસદને ઉતાર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યસભાના સાંસદની જગ્યાએ હવે કેજરીવાલ રાજ્યસભામાં જશે.
અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ચૂંટણી હારી જતા તેઓને પંજાબના રસ્તે રાજ્યસભામાં મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પંજાબ AAPના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરા લૂધિયાણા પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી લડવાના છે. આમ આદમી પાર્ટીએ લુધિયાણાના ઉમેદવાર જાહેર કરી દેતાં હવે એવા પણ અહેવાલો છે કે, AAP રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના સ્થાને કેજરીવાલને ઉપલા ગૃહમાં મોકલવાની તૈયારીઓ કરી લીધી છે.
અહેવાલ મુજબ, સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પંજાબના 6 વધુ AAP રાજ્યસભા સાંસદોએ પણ કેજરીવાલને તેમની બેઠકોની ઓફર કરી છે, પરંતુ AAP વડા દ્વારા કોઈ ઓફર સ્વીકારવામાં આવી નથી.
૧૧ ફેબ્રુઆરીએ કેજરીવાલે દિલ્હીમાં પંજાબ સરકાર અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારે ધારાસભ્યોએ AAPમાં કોઈપણ આંતરિક ઝઘડાનો ઇનકાર કર્યો હતો અને બેઠકને સંતુલિત ગણાવી હતી. પછી એવી અટકળો ચાલી રહી હતી કે, કેજરીવાલ પંજાબના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે છે, તેમને લુધિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા થઈ રહી હતી. જોકે, AAP સાંસદ માલવિંદર સિંહ કાંગે આવા અહેવાલોને નકારી કાઢતા બેઠકને ‘નિયમિત રણનીતિ સત્ર’ ગણાવી.
ધ્યાન ભટકાવવા માટે વિપક્ષ આવા મુદ્દા ઉઠાવી રહ્યું છે – AAP
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પંજાબથી રાજ્યસભામાં મોકલવાની ચર્ચાઓ પર પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ કહ્યું કે પાર્ટી સ્તરે હજુ સુધી આવી કોઈ વાતચીત થઈ નથી. વિપક્ષ ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવી રહ્યું છે. વિપક્ષી નેતાઓ વિધાનસભાની અંદર કોઈ મુદ્દો ઉઠાવી શકતા નથી કે કંઈ બોલી શકતા નથી, તેથી તેઓ ગેરમાર્ગે દોરવા માટે આવા મુદ્દા ઉઠાવી રહ્યા છે.