વકફ સુધારા બિલને JPCની મંજૂરી, 40 અભિપ્રાયોમાંથી ભાજપે રજૂ કરેલા 14 મુદ્દાઓ બહુમતિથી પાસ

વકફ સુધારા બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. JPC કમિટિ દ્વારા વકફ સુધારા બિલમાં ૧૪ ફેરફારો કરવામાં આવ્યા છે. આ અહેવાલ આગામી બજેટ સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. શાસક ભાજપના જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ રચાયેલી સમિતિ સમક્ષ કુલ 44 ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા વિપક્ષી સાંસદો તરફથી પણ આવ્યા હતા, પરંતુ વિપક્ષ દ્વારા પ્રસ્તાવિત ફેરફારો મતદાન દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા.
સોમવારે વક્ફ સુધારા બિલની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિએ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓને સ્વીકાર્યા અને વિપક્ષી સભ્યો દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારાઓને નકારી કાઢ્યા. બેઠક પૂરી થયા પછી JPC સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે પત્રકારોને જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા સુધારા કાયદાને વધુ સારા અને અસરકારક બનાવશે.
વિપક્ષના આક્ષેપો
વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની ટીકા કરતા કમિટિના અધ્યક્ષ જગદંબિકા પાલ ઉપર “લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો” આરોપ લગાવ્યો હતો. આ એક માત્ર દેખાવાની બેઠક હતી. અમને સાંભળ્યા પણ નહીં. આ એક સરમુખત્યારશાહી છે. ટીએમસી સાંસદ જગદબિંકા પાલે આરોપોને નકારી કાઢતા કહ્યું કે, સમગ્ર પ્રક્રિયા લોકશાહી પ્રણાલી મુજબ રહી અને બહુમતીથી નિર્ણય લેવાયો છે.
44 દરખાસ્તોમાંથી ફક્ત 14 ફેરફારોને મંજૂરી અપાઈ
સમિતિ સમક્ષ ફેરફારો માટે કુલ 44 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, પરંતુ ફક્ત 14 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. પાલે જણાવ્યું હતું કે, વિપક્ષી સભ્યોએ બિલના તમામ 44 વિભાગોમાં અનેક સુધારા પ્રસ્તાવિત કર્યા હતા, પરંતુ મતદાન થકી તેને નકારી કાઢવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા પ્રસ્તાવિત મહત્વપૂર્ણ સુધારો એ છે કે, જો આ મિલકતોનો ઉપયોગ ધાર્મિક હેતુઓ માટે થઈ રહ્યો હોય તો હાલના કાયદામાં ‘વક્ફ બાય યુઝર’ ના આધારે હાલની વકફ મિલકતોને પડકારી શકાતી નથી.
ભાજપના તમામ 10 સુધારા મંજૂર
બેઠકમાં ભાજપના સાંસદોએ 10 સુધારા રજૂ કર્યા હતા. જે તમામ સુધારા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિપક્ષ દ્વારા પણ ઘણા સુધારા રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ મતદાન પછી તે બધાને નકારી કાઢવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા 10-16 મતથી નકારી કાઢવામાં આવ્યા હતા. જ્યારે, ભાજપના તમામ સુધારા 16-10 મતોથી સ્વીકારાયા હતા.