International Women’s Day: કામકાજના સમયે જાતીય સતામણી થાય તો શું કરવું? મહિલાઓ ‘POSH’ કાયદાનો લે સહારો

દર વર્ષે 8 માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ. મહિલા દિવસે આપણે સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ. આપણા પુરુષપ્રધાન સમાજમાં ભલે થોડો બદલાવ આવ્યો હોય, લિંગ સમાનતા તરફ થોડી પ્રગતિ કરી હોય, છતાંય હજુ પણ સમાજમાં મહિલાઓને સતત પડકારોનો સામનો કરવો પડે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એની યાદ અપાવે છે. રોજબરોજના જીવનમાં મહિલાઓને જે પડકારોનો સામનો કરવો પડે છે એમાંથી એક છે જાતીય સતામણી, જે વિવિધ સંદર્ભોમાં અને ખાસ કરીને કાર્યસ્થળોમાં એક વ્યાપક મુદ્દો છે. જે રીતે આપણે મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, એ જ રીતે આપણે સમાજમાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીને અવરોધતા પડકારોનો પણ સામનો કરવો જોઈએ.

આજના સમયમાં મહિલાઓ ઘણી આગળ વધી ગઈ છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે, પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી છે, તેમ છતાંય આજે પણ સ્ત્રીઓએ ઘણાય પડકારોનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે નોકરીમાં-કાર્યસ્થળો પર. કાર્યસ્થળ પર સ્ત્રીઓની જાતીય સતામણી, ભેદભાવ, અપમાનજનક ટિપ્પણીઓ, અશ્લીલ ઈશારા અથવા શારીરિક છેડતી જેવા કિસ્સાઓ હવે સામાન્ય બની રહ્યા છે. મહિલાઓને ઘણીવાર તેમના સહકાર્યકરો અથવા ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવે છે, જે તેમના પ્રદર્શન અને આત્મસન્માન પર નકારાત્મક અસર કરે છે. આવા કિસ્સાઓમાં, મહિલાઓ ભય અથવા અપમાનને કારણે તેમની ફરિયાદો નોંધાવી શકતી નથી, જે તેમની માનસિક સ્થિતિને વધુ ખરાબ કરે છે.કાર્યસ્થળ પર મહિલાઓનું ઉત્પીડન એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કોઈ ઓફિસમાં સ્ત્રી નોકરી કરતી હોય, એ વધારે મહેનતુ હોય, કામની બધી જ જવાબદારીઓ એક પુરુષ કરતા વધુ સારી રીતે નિભાવતી હોય કે પુરુષ કર્મચારી કરતા વધુ આગળ વધી રહી હોય, ત્યારે ઘણીવાર એવું બને છે કે પુરુષ સહકર્મીને એ વાત પચતી નથી. ત્યારે સહકર્મી તેના કામમાં અવરોધ ઉભા કરવાનું શરૂ કરી દે છે, તેને ખોટી રીતે હેરાન કરવા લાગે છે, તે એક સ્ત્રી છે અને એને એ જ રીતે રહેવું જોઈએ એવી કોમેન્ટ કરતા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે ઓફિસમાં કામ કરતી સ્ત્રીને પરેશાન કરવા લાગે છે અને સ્ત્રીને ધમકાવવા લાગે છે. ત્યારે એવા કિસ્સાઓમાં એક સ્ત્રીએ શું કરવું જોઈએ. નોકરી કરતી દરેક સ્ત્રીએ POSH વિશે જાણી લેવું જોઈએ.

POSH, એટલે કે કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ એ એક કાયદો છે જે ભારતમાં 2013 માં લાગુ કરવામાં આવ્યો હતો. કાર્યસ્થળ પર સ્ત્રીઓને જાતીય સતામણીથી બચાવવા અને તેમના ગૌરવનું રક્ષણ કરવા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદામાં સ્ત્રીઓને તેમના કાર્યસ્થળ પર સલામત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવા માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાર્યસ્થળ પર જાતીય સતામણી એ એક ગંભીર સામાજિક અને કાનૂની સમસ્યા છે. જ્યાં એક તરફ સ્ત્રીઓ મહેનત અને સમર્પણ સાથે કામ કરે છે, ત્યારે બીજી તરફ જો તેમના અધિકારોનું ઉલ્લંઘન થાય છે તો એ માત્ર તેમના આત્મસન્માનને જ ઠેસ નથી પહોંચાડતું, પરંતુ તેની અસર તેમની કારકિર્દી અને માનસિક સ્થિતિ પર પણ પડે છે. ત્યારે POSH કાયદો એ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારની જાતીય સતામણીનો શિકાર ન બનવું પડે.

હવે જાણીએ POSH એક્ટ વિશે કે એ કેવી રીતે કામ કરે છે. POSH કાયદા હેઠળ, દરેક સંસ્થાએ તેની ઓફિસમાં કે કાર્યસ્થળે એક આંતરિક ફરિયાદ સમિતિ એટલે કે Internal Complaints Committee (ICC) ની રચના કરવાની હોય છે. આ સમિતિ જાતીય સતામણી સંબંધિત ફરિયાદો સાંભળે છે અને પીડિત મહિલાને ન્યાય અપાવવા માટે પગલાં લે છે. આ સમિતિ સંપૂર્ણ ગુપ્તતા જાળવીને સ્ત્રીઓની ફરિયાદોનું નિરાકરણ લાવે છે. આ ઉપરાંત, POSH એક્ટ હેઠળ કાર્યસ્થળો પર જાતીય સતામણીના કેસોની ઝડપી અને ન્યાયી તપાસની જોગવાઈ પણ છે. એ સુનિશ્ચિત કરવા માટે કે સ્ત્રીઓ કોઈપણ ભય કે ખચકાટ વિના પોતાની ફરિયાદો નોંધાવી શકે અને તેમને ન્યાય મળી શકે, આ એક્ટ લવાવવામાં આવ્યો છે.

કાર્યસ્થળ પર જાતીય સતામણી

POSH કાયદા હેઠળ જાતીય સતામણીના અનેક પ્રકારનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે-

શારીરિક જાતીય સતામણી – સ્ત્રીને શારીરિક રીતે સ્પર્શ કરવો, અશ્લીલ ઈશારાઓ કરવા અથવા સ્ત્રીના શરીરના કોઈપણ ભાગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો.
શાબ્દિક પજવણી – સ્ત્રી વિશે અશ્લીલ ટિપ્પણીઓ કરવી, ગંદી મજાક કરવી અથવા સ્ત્રીઓના શરીર અને દેખાવની ટીકા કરવી.
આંખોથી પજવણી – કોઈ સ્ત્રીને ઘૂરવી, અથવા ગંદી નજરોથી જોવી.
સામાજિક અને કાર્ય સંબંધિત પજવણી – કોઈ મહિલાને કામ કરવાથી રોકવા માટે ધમકાવવી કે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ ઉભો કરવો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ મહિલાઓના અધિકારો, સમાનતા અને તેમના ગૌરવના રક્ષણ વિશે જાગૃતિ લાવવાની તક છે. POSH કાયદો એક મોટું પગલું છે જે મહિલાઓના સન્માન અને સલામતીની ખાતરી આપે છે. કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા માટેનો આ કાયદો મહિલાઓને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવે છે જેથી તેઓ કોઈપણ ભય કે ઉત્પીડન વિના તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકે. આ કાયદો ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગ માટે એક સંદેશ છે કે કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, જાતીય સતામણીનો ભોગ બની શકે નહીં. સમાજે એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિને કાર્યસ્થળ પર સમાનતા અને સન્માનનો અધિકાર છે.

આ પણ વાંચો, જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર આવી માફી માંગી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *