AMTS બસમાં AI ટેકનોલોજીનો નવતર પ્રયોગ: ડ્રાઇવિંગ વખતે ઊંઘ કે ફોનનો ઉપયોગ કરશો તો સીધો કંટ્રોલ રૂમમાં પહોંચશે એલર્ટ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરમાં બસ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનો આધુનિક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. AMTS બસોમાં ડ્રાઇવરો પર સતત વોચ રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ ડૅશ કેમેરા સેટ કરવામાં આવ્યા છે. આ સિસ્ટમની મદદથી ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન થતી કોઈપણ પ્રકારની બેદરકારી પર સીધી કંટ્રોલ રૂમમાંથી દેખરેખ રાખવામાં આવશે.

બસોમાં લગાવવામાં આવેલા આ વિશેષ AI ડૅશ કેમેરા ડ્રાઇવરના ચહેરાના હાવભાવ અને ગતિવિધિઓનું સતત પૃથ્થકરણ કરશે. જો કોઈ ડ્રાઇવર ચાલુ બસે મોબાઇલ ફોન પર વાત કરશે અથવા તેને ઊંઘનું ઝોંકું આવશે, તો આ આધુનિક સિસ્ટમ તેને તુરંત ઓળખી લેશે. આ સાથે જ ક્ષણભરમાં કંટ્રોલ રૂમમાં મેસેજ અને વોર્નિંગ એલર્ટ પહોંચી જશે. એલર્ટ મળતાની સાથે જ કંટ્રોલ રૂમથી તરત જ જે-તે ડ્રાઇવરનો સંપર્ક કરીને તેને સાવચેત કરવામાં આવશે.

ડ્રાઇવરનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને રોડ અકસ્માતનો સભય જોખમ ટળી જશે
ઘણીવાર સતત અને લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરવાના કારણે ડ્રાઇવર શારીરિક રીતે થાકી જતો હોય છે અને આગળ વાહન ચલાવવા માટે સક્ષમ રહેતો નથી. નવી AI સિસ્ટમ ડ્રાઇવરના થાકને પણ ડિટેક્ટ કરીને કંટ્રોલ રૂમને જાણ કરશે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક તે ડ્રાઇવરની જગ્યાએ બીજા ડ્રાઇવરને મોકલીને મૂળ ડ્રાઇવરને આરામ આપી શકાશે. આ પગલાથી ડ્રાઇવરનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને રોડ અકસ્માતનો સભય જોખમ ટળી જશે.

હાલમાં આ યોજના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 3 AMTS બસોમાં આ ખાસ AI ડૅશ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા તેના રિયલ-ટાઇમ પરિણામો પર નજર રાખવામાં આવી રહી છે. આ નવતર પ્રયોગ સફળ રહ્યા બાદ તબક્કાવાર રીતે અમદાવાદ શહેરની તમામ AMTS બસોમાં આ AI સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *