ફ્લાઇટ્સ રદની વચ્ચે ઇન્ડિગોના શેરમાં ઘટાડો, DGCAના પગલાંની મોટી અસર દેખાઈ

દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગો છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશનલ અવ્યવસ્થાથી ઝઝૂમી રહી છે. તેનો સીધો પ્રભાવ શેરબજારમાં જોવા મળ્યો છે. ગુરુવાર, 4 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
ગુરુવારે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ સત્રમાં InterGlobe Aviation Ltd. (IndiGo) ના શેરે નબળું પ્રદર્શન કર્યું. શરૂઆતના ટ્રેડિંગમાં શેર 3.31% તૂટીને ₹5,407.30 સુધી નીચે સરક્યો. આ ઘટાડા સાથે કંપનીનું બજાર મૂડીકરણ ઘટીને ₹2.14 લાખ કરોડ પર આવી ગયું. શેરમાં આ ઘટાડાનો મુખ્ય કારણ DGCA દ્વારા એરલાઇનની ખામી અંગે શરૂ કરાયેલી તપાસ અને છેલ્લા બે દિવસમાં ઓપરેશન પર પડેલા પ્રભાવને માનવામાં આવી રહ્યું છે.
ઇન્ડિગોએ આ અઠવાડિયામાં ગંભીર ઓપરેશનલ પડકારનો સામનો કર્યો. છેલ્લા 48 કલાકમાં 250–300 ફ્લાઇટ્સ રદ, અનેક ફ્લાઇટ્સમાં કલાકો સુધીનો વિલંબ, એરપોર્ટ્સ પર મુસાફરોની લાંબી કતારો, મુસાફરોમાં અસંતોષ અને મુશ્કેલીમાં વધારો જેવી સમસ્યાનું નિર્માણ થયું છે. આ તરફ હવે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને DGCA એ એરલાઇન પાસેથી વિગતવાર સ્પષ્ટીકરણ માંગ્યું છે.
એરલાઇન દ્વારા જાહેર કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે, ઓપરેશનલ સમસ્યાઓને કારણે ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી, આગામી 48 કલાક માટે શેડ્યૂલમાં ફેરફાર છે અને પરિસ્થિતિને ઝડપી નિયંત્રણમાં લાવી કામગીરી સામાન્ય બનાવવાની તૈયારી છે. અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સ આપવામાં આવશે અને જરૂર મુજબ રિફંડની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એરલાઇનનો દાવો છે કે, આગામી દિવસોમાં કામગીરી સંપૂર્ણપણે સામાન્ય થવાની આશા છે.
ગુરુવાર બપોરે 1:15 વાગ્યે, BSE પર ઇન્ડિગોના શેર ₹85.95 તૂટીને 1.54% ઘટાડા સાથે ₹5,506.55 પર ટ્રેડ થઈ રહ્યાં હતા. ટ્રેડિંગ દિવસ દરમિયાન શેરનો ઉચ્ચતમ ભાવ: ₹5,574.10 અને નીચો ભાવ: ₹5,407.30 હતો. શેરમાં ચાલી રહેલો ઉતાર-ચઢાવ બજારમાં અનિશ્ચિતતા દર્શાવે છે.