‘ભારત લોકશાહી દેશ છે, તાનાશાહી નહીં…’: CJP નું આંદોલન સમેટાયા બાદ અણ્ણા હઝારેનું મોટું નિવેદન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર સાથેની સફળ વાતચીત બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાનું આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ પર દેશના જાણીતા 89 વર્ષીય સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ પ્રતિક્રિયા આપતાં CJP ના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશમાં લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી. તેથી પ્રજાની સમસ્યાઓ અને ફરિયાદોનો ઉકેલ હંમેશા શાંતિપૂર્ણ આંદોલનો અને પરસ્પર સંવાદ દ્વારા જ લાવવો જોઈએ.

પોતાના આંદોલનાત્મક અનુભવો શેર કરતાં અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં અહિંસક માર્ગે ચાલતાં 22 વખત ભૂખ હડતાળ અને ઉપવાસ કર્યા હતા. આ શાંતિપૂર્ણ સત્યાગ્રહના કારણે જ તેઓ દેશમાં 10 જેટલા મોટા કાયદાઓ ઘડવામાં અને બદલાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે હિંસા અને તણાવથી કોઈ સમસ્યા ઉકલતી નથી પરંતુ તેનાથી માત્ર સમાધાન લાવવામાં વિલંબ થાય છે, તેથી કોઈ પણ વ્યક્તિએ હિંસાનો માર્ગ ન અપનાવવો જોઈએ.

અણ્ણા હઝારેએ સરકારને પણ આડે હાથ લેતાં જણાવ્યું હતું કે જનતા શું કહી રહી છે અને તેમની શું તકલીફો છે તે જોવું અને સાંભળવું એ સરકારની પ્રાથમિક ફરજ છે. લોકકલ્યાણ માટે સરકારે આગળ આવવું પડે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોઈપણ જટિલ મુદ્દો હોય, અંતે તો તેનો ઉકેલ બેઠક અને વાટાઘાટોથી જ આવે છે, તેથી હંમેશા લોકશાહીના માર્ગ પર જ ચાલવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *