અમદાવાદમાં ભર ઉનાળે આ જીવલેણ રોગોનો આતંક! ચોમાસા પહેલાં ચિંતા વધી, સોલા સિવિલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો!

સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક બની છે. અસહ્ય ગરમી અને ભર ઉનાળાની વચ્ચે જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. ચોમાસાના આગમન પહેલાં જ દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઊલટી, તાવ અને ટાઈફોઈડના કેસોમાં તોતિંગ વધારો નોંધાયો છે. અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
હાલમાં સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોતાં અંદાજ લગાવી શકાય છે કે રોગચાળો કેટલો ગંભીર છે. હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા બે સપ્તાહમાં જ હોસ્પિટલની ઓપીડી (OPD) નો આંકડો 25,004 ને પાર પહોંચી ગયો છે. રોગની ગંભીરતાને કારણે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 2288 જેટલા દર્દીઓને એડમિટ (દાખલ) કરવા પડ્યા છે.
ઉનાળામાં પાણીની અછત અથવા દૂષિત પાણીના પુરવઠાને કારણે પેટના રોગો વકર્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 દિવસમાં જ હોસ્પિટલ દ્વારા ઝાડા-ઊલટી અને તાવના 85 જેટલા સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ સિઝનમાં ખાસ કરીને ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના 10 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે ચોમાસા પહેલા જ મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ અને મેલેરિયાના શંકાસ્પદ કેસો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાવના દર્દીઓનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુના આશરે 1200 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 16 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેલેરિયાની આશંકાને પગલે 1212 જેટલા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.