આસામના કાઝીરંગામાં ભયાનક અકસ્માત! મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે ટક્કર, 23 લોકોના મોત

આસામના કાઝીરંગામાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક કન્ટેનર ટ્રક અને મિની બસ વચ્ચે સામસામે થયેલી ભીષણ ટક્કરમાં 23 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, મિની બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો વિદ્યાર્થીઓ હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો છે અને હજુ પણ અનેક મુસાફરો ક્ષતિગ્રસ્ત વાહનની અંદર ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે.

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે મિની બસ બોકાખાટથી નાગાંવ તરફ જઈ રહી હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક રહેવાસીઓ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક કોહોરા મોડેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મુસાફરોની હાલત અત્યંત ગંભીર હતી, તેમાંથી મોટાભાગના લોકોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને મૃતકોના સત્તાવાર આંકડાની હજુ પુષ્ટિ થવાની બાકી છે. ગોલાઘાટના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સ્વપ્નનિલ ડેકાએ જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો મુજબ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોતની આશંકા છે. તેમણે ઉમેર્યું કે બચાવ ટીમો હજુ પણ ક્ષતિગ્રસ્ત મિની બસમાંથી મૃતદેહો બહાર કાઢી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ઘટનાસ્થળેથી માહિતી આપતા SSP સ્વપ્નનિલ ડેકાએ કહ્યું કે, અમને પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોતની આશંકા છે. અમે બધા ઘટનાસ્થળે જ છીએ, અને બસમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, તેથી મૃત્યુઆંક વધવાની પૂરી શક્યતા છે. મિની બસમાં કુલ કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેની ચોક્કસ સંખ્યા તાત્કાલિક જાણી શકાઈ નથી.

દુર્ઘટનાની ગંભીરતાને જોતા આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી અતુલ બોરા, જેઓ સ્થાનિક ધારાસભ્ય પણ છે, તેઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. અકસ્માત પાછળના પ્રાથમિક કારણો અંગે SSP ડેકાએ શંકા વ્યક્ત કરી કે ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવો જોઈએ, જેના કારણે બસ સામેથી આવતા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *