સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ તરીકે હિમાંજય પાલીવાલે કાર્યભાર સંભાળ્યો

પરસ્પર સહકાર, ભારતીય જ્ઞાન પરંપરાની વાહક પાઠશાળાઓના સંવર્ધન અને સંસ્કૃત શિક્ષક, પ્રાધ્યાપકોનું સંરક્ષણ ત્રીબિંદુ મુખ્ય ઉદ્દેશ્ય રહેશે – હિમાંજય પાલીવાલ, અધ્યક્ષ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ભાષાને સંવર્ધન માટે થઈને ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ની સંરચના કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠના શુભ મહૂર્તે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શ્રી હિમાંજય પાલીવાલે ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ના અધ્યક્ષ તરીકે દાયિત્વ સ્વીકાર કર્યું. તેમની સાથે ઉપાધ્યક્ષ તરીકે શ્રી પંકજભાઈ ત્રિવેદી (પાલીતાણા) તેમજ સભ્યો ડૉ. આશિષ જનકરાય દવે, ડૉ. મયુરીબેન ભાટીયા અને ડૉ. અશોકભાઈ જોશીએ પણ દાયિત્વ સ્વીકારવા ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષીય ઉદબોધનમાં હિમાંજય પાલીવાલે જણાવ્યું કે દેવભાષા સંસ્કૃતની સેવા માટે ઈશ્વરે અમોને નિમિત્ત માત્ર બનાવ્યા છે, પરસ્પર સહયોગ અને સહકારથીજ સંસ્કૃતનો સર્વાંગી વિકાસ કરી શકાય. સંસ્કૃત ક્ષેત્રમાં જોડાયેલા તમામ શિક્ષકો, પ્રાધ્યાપકોનું સંરક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરાના મૂળ સંવાહક સંસ્કૃત પાઠશાળાઓનું સંવર્ધન વિષયો પર વિશેષ ધ્યાન આપવાનું ધ્યેય રહેશે.
સમગ્ર કાર્યક્રમ ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ ગાંધીનગર ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં પૂર્વ સનદી અધિકારી સંસ્કૃત અનુરાગી કે. જી. વણજારા, શ્રી વલ્લભભાઈ રામાણી, પ્રા. ગૌતમભાઈ પટેલ, ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલા, ડૉ. અવનીબા મોરી, પ્રા. જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત રાજ્ય કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ ડૉ. જયવંતસિંહ સરવૈયા તેમજ બંને પ્રાંતના સંસ્કૃત કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવી નવનિયુક્ત પદાધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.