અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

 અમદાવાદમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે અગાઉ જ શહેરમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટની આગાહી કરી હતી, જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

અમદાવાદ શહેરનના શ્યામલ, પ્રહલાદનગર, સેટેલાઈટ, એસ.જી. હાઈવે, શીલજ, શેલા, બોપલ, ઘુમા, આનંદનગર, જોધપુર, શિવરંજની, નહેરૂનગર, વસ્ત્રાપુર, પકવાન, સાયન્સ સિટી, થલતેજ, ગુરુકુળ અને હેલમેટ સર્કલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે માર્ગો પર વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડી રહ્યું છે.

પૂર્વ અને મધ્ય અમદાવાદમાં પણ મેઘરાજાની મહેર

નરોડા, એરપોર્ટ, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર, શાહીબાગ, ઉસ્માનપુરા, ઈન્કમ ટેક્સ, પાલડી, વસ્ત્રાલ, શ્રેયસ ક્રોસિંગ, વિજય ચાર રસ્તા, કોમર્સ છ રસ્તા, અખબારનગર, વાડજ અને ગોતા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવાની શરુઆત થઈ છે. 

સર્વિસ રોડ પર પાણી ભરાવાની શરૂઆત

શ્યામલ અને પ્રહલાદનગરને જોડતા સર્વિસ રોડ પર વરસાદને કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *