વંદે માતરમ્ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યો રંગ, ખેંચ્યું દરેકનું ધ્યાન

આજે દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ ભારે ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવાયો. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં 30 ઝાંખીઓએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ગુજરાતની ઝાંખી (ગુજરાતના ટેબ્લો)એ સૌના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો હતો. ગુજરાતનો ટેબ્લો ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખૂબ જ ભવ્ય અને પ્રેરણાદાયી રહ્યો હતો. આ ટેબ્લોમાં સ્વદેશી, આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના મંત્રને અદ્ભુત રીતે દર્શાવવામાં આવ્યા હતા. આગળના ભાગમાં મેડમ ભીખાજી કામા ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. જ્યારે ટેબ્લોના મધ્ય ભાગમાં મહાત્મા ગાંધી ચરખો કાંતતા દેખાયા હતા. આ દૃશ્ય જોઈને કર્તવ્ય પથ પર દરેક લોકો ‘વંદે માતરમ’ અને ‘ભારત માતાકી જય’ના નારા લગાવવા લાગ્યા હતા.

ગુજરાતના ટેબ્લોએ ખેંચ્યું દરેકનું ધ્યાન

‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77માં પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ હતું. આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ: શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના સુભગ સમન્વયે આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *