વડોદરામા સગાઈ બાદ સાથે રહેતા મંગેતરની યુવતીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી, 3 દિવસે પોલ ખોલી

વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી પ્રેમકથા હવે એક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ છે. વિગતો મુજબ છોટાઉદેપુરના 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. જોકે હવે સચિનની હત્યા કરાઇ હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. નોંધનીય છે કે, આ યુવતી બે દિવસ સુધી ગોળ-ગોળ જવાબ આપતી હતી જોકે મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી પોસ્ટમોર્ટમને અંતે હત્યાનો ખુલાસો થયો છે.

છોટાઉદેપુરના 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે પ્રેમસંબંધ બાદ સગાઈ થઈ હતી. આ તરફ સગાઈ પછી સચિન રેખા સાથે વડોદરાના રેલવે ક્વાર્ટર્સમાં રહેવા આવ્યો. આ બાબત વચ્ચે બંનેમાં ઘણી વાર માથાકૂટ અને શંકાઓ થતાં રહેતી હતી. સચિને રેખા પર અન્ય સાથે સંબંધ હોવાનો શંકા વ્યક્ત કરી હતી. 29 ડિસેમ્બર, 2025ના દિવસે રેખા અને સચિન વચ્ચે થયેલા ઝઘડાના કારણે રેખાએ સચિનને ઊંઘમાં પોતાના દુપટ્ટા વડે ગળું દબાવીને માર્યાનું હોવાનું પોલીસે ખુલાસો કર્યો.


વિગતો મુજબ શરૂઆતમાં રેખાએ આ ઘટના પર મૌન રાખ્યું અને તે જાણે કંઈ થયું જ ન હોય તેવું વર્તન કરતી રહી. પરંતુ સચિનના પિતાએ શંકા વ્યક્ત કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા ખોટું છુપાવી શકાયું નહીં. પોસ્ટમોર્ટમમાં ગળામાં ઘાટના નિશાન મળ્યા, જે હત્યાનો પુરાવો બન્યા. હાલ, મકરપુરા પોલીસ સ્ટેશનમાં રેખા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ સાથે રેલવે ક્વાર્ટર્સમાં રહેલા પાડોશીઓએ જણાવ્યું કે, ઘટના બાદ રેખા રડતી હતી અને કહ્યું કે સચિન જાગતો નથી. તરત પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે સચિનને મૃત જાહેર કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *