વાલીઓ દ્વારા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં તોડફોડ, પ્રિન્સીપાલ અને ટીચરને ફટકાર્યા

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યાના મામલો બિચક્યો છે જેમાં સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં તોડફોડ કરીને સ્ટાફને માર માર્યો છે. મણિનગરમાં સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને સ્કૂલની બહાર હલ્લા બોલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં મંગળવાર (19 ઓગસ્ટ 2025)ના રોજ ચોંકાવનારી ઘટના બની હતી. સ્કૂલના જ ધોરણ 10ના વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કો આ વિદ્યાર્થીનું મોત થતાં મામલો બિચકાયો છે અને વાલીઓ દ્વારા સ્કૂલને બાનમાં લીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલીઓ ગેટ ખોલીને સ્કૂલની અંદર પ્રવેશ કરીને સ્કૂલના કાચ ફોંડી નાખ્યા હતા. આ ઉપરાંત પોલીસની ગાડીને પણ ઘેરી લેવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્કૂલમાં 500 લોકોનું ટોળું ધસી આવી ગયું છે. આ સિવાય પ્રિન્સિપાલને ટપલી દાવ કરવામાં આવ્યો છે અને ટીચરને પણ માર મારવામાં આવ્યો છે. પોલીસ હાજર હોવા છતાં મુક પ્રેક્ષક બની હતી, અને પોલીસની હાજરીમાં જ વાલીઓએ શાળા સંચાલકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થીએ હુમલો કરતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ જીવનની જંગ હારી ગયો છે. નયન સંતાણી નામના વિદ્યાર્થીનું ટૂંકી સારવાર પછી મોત થયું છે. મહત્વનું છે કે, સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ 10માં ભણતા નયન સંતાણીને અન્ય વિદ્યાર્થીએ પેટમાં ચપ્પુ માર્યું હતું. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને પરિજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે આ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન જ મોત થયું છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ સ્કૂલમાં મૃતક નયન સંતાણી અને તેની જ સાથે ભણતા વિદ્યાર્થી વચ્ચે ધક્કામુકીને લઈને વિવાદ થયો હતો. જેમાં વિદ્યાર્થીએ મનમાં વેરની ગાંઠ વાળી અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને નયન સંતાણી પર હુમલાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાનને પાર પાડવા માટે તે શાળામાં ચાકુ લઈને આવ્યો હતો. શાળા પત્યા બાદ 7-8 વિદ્યાર્થીઓએ નયન સંતાણીને ઘેરી લઈને પેટમાં ચાકુના ઘા મારી દીધા હતા.

મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, હુમલા પછી નયન નીચે ઢળી પડ્યો છતા શાળામાં કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું. અન્ય વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવીને તેના પરિવારને જાણ કરી. હતી, જો કે ત્યાં સુધી શાળામાંથી કોઈએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની દરકાર લીધી ન હતી. પરિવારે શાળા પર બેદરકારીનો આરોપ કરીને સવાલ કર્યો છે કે, વિદ્યાર્થી પાસે ચાકુ હતું, ત્યાં સુધી કેમ કોઈને જાણ ન પડી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *