ગુજરાતમા હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી, એક મહિનો ચાલશે ડ્રાઈવ

 આજથી આખા મહિના દરમિયાન રાજ્યવ્યાપી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ ચલાવવાનો આદેશ અપાયો છે. જો હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો દંડ થશે તે નક્કી છે. આ વખતે પોલીસ માત્ર રસ્તા પર જ નહીં સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પર પણ ચેકીંગ કરશે. તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજા પર જ હેલ્મેટ ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ સરકારી કર્મચારી કે મુલાકાતી હેલ્મેટ પહેર્યા વગર પકડાશે તો સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય જનતામાં હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે તમામ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે કે દરરોજ સરકારી અને ખાનગી વાહનચાલકો સામે કેસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે. બિનસરકારી લોકો જો હેલ્મેટ વગર મુસાફરી કરતા પકડાશે, તો તેમને પણ ભારે દંડ ફટકારવામાં આવશે. સરકારી અધિકારી-કર્મચારીઓ હેલ્મેટના કાયદાનું પાલન કરે તે માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનાર અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી થશે 

રાજ્યમાં 1, મેથી 31મી મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. આ ઝૂંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવાની બાબતમાં બેદરકારી ન દાખવે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. 

ફરજિયાત હેલ્મેટ અંગે ડ્રાઈવને કરાયેલા આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સચિવાલય બહાર હેલ્મેટ અંગેની ડ્રાઈવ યોજાઈ ન હતી. પોલીસ વડાએ મે મહિના દરમિયાન ડ્રાઈવ યોજવાનો આદેશ કર્યો હતો. આદેશ છતા ગાંધીનગર પોલીસે ડ્રાઈવ યોજી ન હતી. ડ્રાઈવ યોજવાના આદેશના પ્રથમ દિવસે જ ગાંધીનગર પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. વારંવારની ઝૂંબેશ છતા સરકારી અધિકારી, કર્મચારીઓ હેલ્મેટ પહેરતા નથી. abp અસ્મિતાના રિયાલિટી ચેકમાં પોલીસની પોલ ખુલી હતી. 

પોલીસ કમિશ્નરે સરકારી કચેરીમાં ટ્રાફિક ડ્રાઈવના આદેશ આપ્યા છે પણ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુમાળી ભવનમાં ટ્રાફિક ડ્રાઈવના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. 1, મે થી 31 મે સુધીની આ ડ્રાઈવમાં સરકારી કચેરીમાં હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે અનેક કર્મચારીઓ આ નિયમોનું પાલન કરતા નથી અને પરિપત્ર માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.  રાજકોટમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટને લઈ કોઈ ડ્રાઈવ જોવા મળી નહોતી. આદેશ બાદ પણ રાજકોટ પોલીસે ડ્રાઈવ શરૂ કરી નહોતી. પોલીસ કમિશનર કચેરીએ કેટલાક લોકો હેલ્મેટ પહેર્યા વગર જોવા મળ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *