ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ન્યાયિક ચુકાદામાં AIના ઉપયોગ પર પ્રતિબંધ

ગુજરાત હાઈકોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે AI અંગે હવે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ હવે રાજ્યની કોઈપણ અદાલતમાં ન્યાયિક ચુકાદા, તર્ક અથવા જજમેન્ટ લખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી નીતિને તાત્કાલિક અમલમાં લાવતા ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ચુકાદા તૈયાર કરવા, ઓર્ડર લખવા, જામીન સંબંધિત વિચારણા કરવા તેમજ સજા નક્કી કરવાની પ્રક્રિયામાં AIનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના મતે ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણ માનવીય સમજ અને જવાબદારી પર આધારિત હોવી જોઈએ.

નવી માર્ગદર્શિકા મુજબ AIનો ઉપયોગ માત્ર ચુકાદા લખવામાં જ નહીં પરંતુ પુરાવા અને દલીલોના વિશ્લેષણમાં પણ કરી શકાશે નહીં. પુરાવાનું વર્ગીકરણ, તેની વિશ્વસનીયતાની ચકાસણી, જુબાનીનો સારાંશ બનાવવો અથવા તથ્યોનું અર્થઘટન કરવા માટે AIનો ઉપયોગ સખત રીતે પ્રતિબંધિત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે AI પર વધુ નિર્ભરતા રાખવાથી ‘હેલ્યુસિનેશન’ જેવા જોખમો ઊભા થઈ શકે છે. જેમાં AI ખોટી અથવા કાલ્પનિક કાનૂની માહિતી રજૂ કરી શકે છે. આથી ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઈકોર્ટની પોલિસી મુજબ કોઈપણ જાહેર AI ટૂલમાં પક્ષકારો, સાક્ષીઓ અથવા કેસ સંબંધિત સંવેદનશીલ માહિતી દાખલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે જ AIનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના પુરાવા બનાવવું કે પછી તેમાં ફેરફાર કરવો અથવા ખોટા પુરાવા ઊભા કરવાનું પણ સખત મનાઈ છે. દરેક ન્યાયાધીશ તેમના નામે જારી થતા દરેક આદેશ માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને AIનો ઉપયોગ બેદરકારી માટે બહાનું બની શકશે નહીં. કોર્ટના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત ઉપકરણોમાં AI ટૂલ્સનો ગેરવપરાશ કરવો પણ નિયમોના ભંગ તરીકે ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *