ગુજરાત પર 3.80 લાખ કરોડનું દેવું, કેગના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા કેગ (CAG)ના તાજા અહેવાલમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ અને ચિંતાજનક વિગતો સામે આવી છે. આ રિપોર્ટમાં રાજ્ય પર વધતા દેવા, આવક-ખર્ચમાં અસંતુલન અને સામાજિક સૂચકાંકો અંગેના આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે. આ અહેવાલ મુજબ રાજ્ય સરકારના નાણાકીય સંચાલન પર વધતો દબાણ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.
કેગના અહેવાલ અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય પર કુલ જાહેર દેવું આશરે 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. ગત વર્ષની સરખામણીમાં દેવામાં લગભગ 22 હજાર કરોડનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારની બજાર લોન પણ નોંધપાત્ર રીતે વધી છે. હાલમાં બજાર લોનનો આંકડો 3.11 લાખ કરોડ છે. જે ગત વર્ષ કરતા લગભગ 16 હજાર કરોડ વધુ છે. આ આંકડાઓ રાજ્યના વધતા નાણાકીય ભાર તરફ સંકેત કરે છે.
વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના મહેસુલી ખર્ચામાં આશરે 10326 કરોડનો વધારો થયો છે. જ્યારે મહેસુલી આવકમાં 4208 કરોડનો ઘટાડો નોંધાયો છે. પરિણામે મહેસુલી પુરાંતમાં 43.41% જેટલો મોટો ઘટાડો થયો છે. આ પરિસ્થિતિ રાજ્યના બજેટ સંતુલન માટે પડકારરૂપ બની શકે છે. સાથે જ કેન્દ્ર સરકાર તરફથી મળતા ફંડમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉદાહરણ તરીકે, આદિજાતિ વિભાગ માટેની સહાય 2023-24 માં 1590.17 કરોડ હતી. જે 2024-25 માં ઘટીને 1363 કરોડ થઈ ગઈ છે. તે જ રીતે કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ માટેનું ફંડ પણ 7540 કરોડથી ઘટીને 6712.86 કરોડ થયું છે.
કેગના રિપોર્ટમાં રાજ્યના સામાજિક પરિમાણો પણ ધ્યાન ખેંચે છે. ગુજરાતની લગભગ 11.66% વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વસ્તીનું પ્રમાણ લગભગ સમાન છે. જેમાં 49.71% લોકો ગામડામાં અને 50.29% લોકો શહેરોમાં વસે છે. આ રાષ્ટ્રીય સરેરાશ કરતા અલગ સ્થિતિ દર્શાવે છે. લિંગ અનુપાત પણ ચિંતાજનક છે. રાજ્યમાં દર 1000 પુરૂષો સામે માત્ર 904 સ્ત્રીઓ છે. જે દેશના સરેરાશ 947 કરતાં ઓછી છે. સાક્ષરતા દર 84.6% છે. જ્યારે વસ્તી ગીચતા 373 છે. જે રાષ્ટ્રીય સરેરાશ 430 કરતા ઓછી છે. જોકે બાળ મરણ દર રાષ્ટ્રીય સરેરાશ 25 કરતાં ઓછો હોવો રાજ્ય માટે સકારાત્મક પાસું માનવામાં આવે છે.
કેગના આ અહેવાલે રાજ્ય સરકારના નાણાકીય સંચાલન અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વધતું દેવું, આવકમાં ઘટાડો અને કેન્દ્રથી મળતા ફંડમાં ઘટાડો. આ બધા મુદ્દાઓ રાજ્યની આર્થિક સ્થિરતા માટે પડકારરૂપ છે. આવતા સમયમાં સરકાર આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે તે મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આ આંકડાઓ રાજ્યના વિકાસ અને જનજીવન પર સીધી અસર કરી શકે છે.
https://www.instagram.com/timenewsguj/?hl=en
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે આજે PM મોદીની બે મોટી બેઠકો, દેશની સ્થિતિ પર થશે ચર્ચા