Gujarat: MD ડ્રગ્સ બનાવવા કેમિકલ ખરીદતો હતો GTUનો PhD સ્કોલર, NCBની તપાસમાં થયો મોટો ખુલાસો

Gujarat MD Drugs: ગુજરાતમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદનના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં કેમિકલ એન્જિનિયરિંગ વિષયમાં PhD કરી રહેલા હર્ષિલ પરીખની ધરપકડ કરી છે. તેના પર અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઝડપાયેલી ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી માટે જરૂરી રસાયણો ખરીદવા અને સપ્લાય કરવાનો આરોપ છે.
મુખ્ય આરોપી મુદસ્સર પઠાણ સાથે નાણાકીય વ્યવહારો
NCBની તપાસમાં હર્ષિલ પરીખ અને ડ્રગ્સ લેબ ચલાવવાના આરોપી મુદસ્સર પઠાણ વચ્ચે વર્ષ 2024થી બેંક વ્યવહારો થયાનું સામે આવ્યું છે. NCBના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં પઠાણે મિત્રતાના આધારે પરીખને નાણાકીય મદદ કરી હતી. જોકે, ત્યારબાદ આ સંબંધ કથિત રીતે MD ડ્રગ્સ બનાવવા માટે જરૂરી રસાયણોની ખરીદી અને સપ્લાય સુધી પહોંચ્યો હતો. પઠાણ પરીખને પૈસા આપતો હતો અને તે બિલના આધારે કેમિકલ ખરીદતો હોવાનો આરોપ છે.
મોબાઇલ અને ડિજિટલ પુરાવાના આધારે ભૂમિકા સામે આવી
NCB ઝોનલ ડિરેક્ટર ઘનશ્યામ સોનીના જણાવ્યા અનુસાર, આરોપીના મોબાઇલ ફોન, કોલ ડિટેલ રેકોર્ડ (CDR) અને અન્ય ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરતાં હર્ષિલ પરીખની ભૂમિકા સામે આવી હતી. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોવાથી તેને વિવિધ રસાયણો અને તેના ઉપયોગ અંગે ટેકનિકલ જાણકારી હતી. તપાસ એજન્સીને એવી પણ આશંકા છે કે શરૂઆતમાં નાણાકીય મદદ મળ્યા બાદ તેને ધીમે ધીમે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યો હતો.
15 નવેમ્બરે ડ્રગ્સ લેબ પર દરોડો, 130 કિલો કેમિકલ જપ્ત
નોંધનીય છે કે NCBએ 15 નવેમ્બરે ‘ઓપરેશન સિન્થેટિક ડ્રગ્સ’ અંતર્ગત ગુજરાત પોલીસની મદદથી અમદાવાદના સરખેજ રોડ પર ગ્યાસપુરની લબૈક પાર્ક સોસાયટીમાં મોહમ્મદી પાર્ક નજીક આવેલા એક બંગલાના ભોંયરામાં દરોડો પાડ્યો હતો. અહીંથી ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સ બનાવવાની પ્રયોગશાળા મળી આવી હતી. દરોડા દરમિયાન આશરે 130 કિલોગ્રામ રસાયણો, પ્રયોગશાળાનાં સાધનો અને પ્રવાહી તથા પાવડર સ્વરૂપમાં 27.55 ગ્રામ શંકાસ્પદ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.
આંતરરાજ્ય નેટવર્કની તપાસ શરૂ, NCBની હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ
હર્ષિલ પરીખની ધરપકડ બાદ NCB હવે તપાસ કરી રહી છે કે તેણે રસાયણો ક્યાંથી ખરીદ્યાં હતાં, તેને નાણાં કોણ પૂરાં પાડતું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે. એજન્સી ડ્રગ્સના આંતરરાજ્ય જોડાણોની પણ તપાસ કરી રહી છે. NCBના ઝોનલ ડિરેક્ટર ઘનશ્યામ સોનીએ લોકોને શંકાસ્પદ ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી માનસ હેલ્પલાઇન નંબર 1933 પર આપવા અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વ્યક્તિનું નામ, વાહન નંબર, સરનામું કે ફોટોગ્રાફ જેવી નાની માહિતી પણ તપાસમાં મદદરૂપ થઈ શકે છે.