દિવ્યાંગ અધિકારીઓ-કર્મચારીઓની બઢતીમાં અનામત! મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિ રચાઈ

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગે નીતિ ઘડવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે આ અંગે સંવેદનશીલ પગલું ભર્યું છે. સરકારી નોકરીમાં દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીની પ્રક્રિયામાં અનામતનો લાભ કેવી રીતે આપી શકાય તે અંગે હવે નીતિ તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે.
સરકાર દ્વારા રચવામાં આવેલી આ સમિતિની અધ્યક્ષતા મુખ્ય સચિવ કરશે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કુલ 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગેના વિવિધ પાસાઓનો અભ્યાસ કરશે અને તેના આધારે રાજ્ય માટે યોગ્ય નીતિ ઘડવાની પ્રક્રિયા હાથ ધરશે.
બઢતીમાં અનામત અંગે નીતિ ઘડતી વખતે સમિતિ દ્વારા વિવિધ મહત્વના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ કરીને ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી જોગવાઈઓ, અન્ય રાજ્યોમાં અમલમાં રહેલી નીતિઓ તેમજ અદાલતો દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ તમામ બાબતોના આધારે ગુજરાત માટે યોગ્ય અને વ્યવહારુ અનામત નીતિ તૈયાર કરવામાં આવશે.