GST કલેક્શનમાં ગુજરાતે અનેક મોટા રાજ્યોને છોડ્યા પાછળ, જાણો April મહિનાનો આંકડો

એપ્રિલમાં ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વધીને રેકોર્ડ રૂ. 2.37 લાખ કરોડ થયો, જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 2.10 લાખ કરોડથી 12.6 ટકા વધુ છે. ગુરુવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, April 2024માં GST આવક રૂ. 2.10 લાખ કરોડ રહી હતી, જે 1 જુલાઈ, 2017ના રોજ નવી કર વ્યવસ્થા અમલમાં આવ્યા પછીનો બીજો સૌથી મોટો સંગ્રહ છે. આ વર્ષે એપ્રિલમાં સ્થાનિક વ્યવહારોમાંથી GST વસૂલાત 10.7 ટકા વધીને રૂ. 1.9 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલમાંથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ છે.
નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.
એપ્રિલ 2025માં ગુજરાતનું GST કલેક્શન ₹14,970 કરોડ રહ્યું છે, જે એપ્રિલ 2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જોકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો, જે એપ્રિલ 2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો, Rajasthan: ફોર્ટ અબ્બાસ નજીક BSFના જવાનોએ એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો