ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત, ક્યારે રજૂ થશે બજેટ? 23 દિવસમાં 26 બેઠકો યોજાશે

ગુજરાત વિધાનસભાના 8મા સત્રની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આ સત્રનું આહ્વાહન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આગામી 16 ફેબ્રુઆરીથી થશે. આ સત્ર મુખ્યત્વે રાજ્યના નાણાકીય વર્ષના લેખાજોખા અને નવા બજેટ પર કેન્દ્રિત રહેશે.

સત્રનો પ્રારંભ અને રાજ્યપાલનું સંબોધન
સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. પરંપરા મુજબ, પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે, જેમાં તાજેતરમાં અવસાન પામેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

આ સત્રનું મુખ્ય આકર્ષણ 17 ફેબ્રુઆરીનો દિવસ રહેશે. આ દિવસે નાણાં મંત્રી કનુ દેસાઈ ગુજરાતનું આગામી વર્ષનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં વિકાસકાર્યો, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે મહત્વની જાહેરાતો થવાની શક્યતા છે.

કામકાજનું માળખું અને બેઠકોની વિગત
આ વખતે બજેટ સત્ર કુલ 23 દિવસ ચાલશે, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવા માટે કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. કામકાજની વિગતો નીચે મુજબ છે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા: 3 બેઠકો, બજેટ પર સામાન્ય ચર્ચા: 4 બેઠકો, વિભાગવાર માંગણીઓ પર ચર્ચા: 12 બેઠકો (સૌથી વધુ સમય), સરકારી કામકાજ અને વિધેયકો: 4 બેઠકો, બિન-સરકારી કામકાજ: 6 બેઠકો, પુરક માંગણીઓ 2 દિવસ. ગૃહમાં પૂછવામાં આવતા તારાંકિત પ્રશ્નોના નિકાલ અને વ્યવસ્થા માટે પાંચ મંત્રીઓની એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *