વહેલી પરોઢે ચાંદખેડામાં ઇ-કોમર્સ ગોડાઉનમાં ભીષણ આગ, મોટાભાગનો માલ બળીને ખાખ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે આગની ગંભીર ઘટના સામે આવી હતી. વાસ્તવમાં ટીપી-44 વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામે આવેલા રોડ પર આવેલી એક ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ તરફ આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ અને અધિકારીઓએ મળીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું. આગના કારણે ગોડાઉનમાં રાખેલો મોટાભાગનો માલ બળી ને ખાખ થઈ ગયો હતો.સૂત્રો મુજબ આ ગોડાઉન વિવિધ ઇ-કોમર્સ કંપનીઓ માટે સપ્લાય સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતું હતું અને તેમાં ઇન્સ્ટાકાર્ટ કંપનીનો માલ સંગ્રહિત હતો. આગ લાગ્યા બાદ ગોડાઉનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે ફાયર વિભાગને આગ બુઝાવવાની કામગીરીમાં ખાસ જહેમત ઉઠાવવી પડી હતી.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે, જોકે સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કાટમાળ નીચે ફરી આગ ન ભભૂકે તે માટે કુલિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *