અમદાવાદમાં છેલ્લાં 12 વર્ષથી નામ બદલીને એક્ટિંગ કરતો ગુજરાતી એક્ટર નીકળ્યો આરોપી, ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો અને ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 12 વર્ષથી પેરોલ પર ફરાર રહેલા કેદી હેમંત મોદીને ઝડપી પાડ્યો છે. આરોપી ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીકથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી મળતી વિગતો મુજબ આ આરોપી છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દી, ગુજરાતી મૂવી અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ એક્ટર અને અલગ અલગ નાટકોમાં કામ કરી રહ્યો હતો. જોકે હવે પોલીસે આ ઈસમને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક વિગતો મુજબ આરોપી હેમંત મોદીએ વર્ષ 2005માં હત્યાનો ગુનો કર્યો હતો, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2014માં તેને 30 દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી. આ તરફ પેરોલના દિવસો પૂરા થતા હેમંત મોદી ને મહેસાણા જેલમાં હાજર થવાનું હોવા છતાં તે ત્યાં હાજર થતો નથી અને પેરોલના સમય દરમિયાન ભાગી જાય છે.

વિગતો મુજબ 12 વર્ષ સુધી આ મોસ્ટ વોન્ટેડ રહ્યો હતો. આરોપીએ પોલીસથી બચવા માટે પોતાની ઓળખ પણ બદલી નાખી હતી. તેણે “સ્પંદન મોદી” નામ ધારણ કરીને મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા 12 વર્ષ દરમિયાન તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ તેમજ નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી 20થી વધુ ફિલ્મો અને વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂક્યો હતો. અનેક જાણીતા કલાકારો અને સેલેબ્રિટીઓ સાથે પણ તેણે સ્ક્રીન શેર કરી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મી દુનિયામાં સક્રિય રહીને તેણે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો હતો.આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને ગુપ્ત માહિતી મળી હતી કે “સ્પંદન મોદી” તરીકે ઓળખાતો વ્યક્તિ હકીકતમાં વોન્ટેડ કેદી હેમંત મોદી જ છે. ત્યારબાદ પોલીસે તેની હલચલ પર નજર રાખી હતી. આખરે એક સિરિયલનું શૂટિંગ પૂર્ણ કરીને ઘરે જતી વખતે પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ તરફ હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *