LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે ઘણા દેશો ઈંધણની અછતનો સામનો કરી રહ્યા છે. ભારત પણ આ કટોકટીનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અનેક પગલાં લઈ રહી છે. આ સંદર્ભમાં સરકારે ઘરોમાં કેરોસીનનો પુરવઠો સરળ બનાવવા માટે પેટ્રોલિયમ સલામતી અને લાઇસન્સિંગ નિયમોમાં અસ્થાયી રૂપે છૂટછાટ આપી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 29 માર્ચે જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS/સરકારી રાશન શોપ્સ) દ્વારા સુપિરિયર કેરોસીન ઓઈલ (SKO) ના એડ-હોક પુરવઠાને 60 દિવસ માટે મંજૂરી આપી છે, જેથી જનતાને ઈંધણની અછતનો સામનો ન કરવો પડે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે દુરુપયોગ અટકાવવા માટે રસોઈ અને લાઇટિંગ જેવા ઘરેલુ હેતુઓ માટે જ કેરોસીન પૂરું પાડવામાં આવશે. આ ફેરફારો હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંચાલિત પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસીનનો સંગ્રહ અને વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. દરેક પસંદ કરેલા પેટ્રોલ પંપ મહત્તમ 5,000 લિટર કેરોસીનનો સંગ્રહ કરી શકશે.

દરેક જિલ્લામાં મહત્તમ બે પેટ્રોલ પંપ આ હેતુ માટે નિયુક્ત કરવામાં આવશે, જ્યાં કેરોસીન વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેરોસીનના સંગ્રહ, પરિવહન અને વિતરણમાં સામેલ ડીલરો અને વાહનોને પેટ્રોલિયમ નિયમો, 2002ની ચોક્કસ લાઇસન્સિંગ જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી સપ્લાય ચેઇન ઝડપી બને અને છેલ્લા માઇલ સુધી વિતરણ સુનિશ્ચિત થાય.

આ નિર્ણય હેઠળ જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા કેરોસીનનો પુરવઠો એવા વિસ્તારોમાં અસ્થાયી રૂપે ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે જ્યાં તે અગાઉ તબક્કાવાર બંધ કરવામાં આવ્યો હતો, જેથી હાલના ઇંધણ છૂટક નેટવર્ક દ્વારા ઝડપી વિતરણ સુનિશ્ચિત થાય. આ સમયગાળા દરમિયાન, પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (PESO) દ્વારા જાહેર કરાયેલ સલામતી માર્ગદર્શિકા અને ઓપરેશનલ પ્રોટોકોલ યથાવત રહેશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *