CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના

 પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગના વિરોધ વચ્ચે હવે સરકાર સીએનજી (CNG) અને પીએનજી (PNG) માં બાયોગેસ ઉમેરશે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) ની બેઠકમાં 23731 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી યોજના (GOBARdhan) ને મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આગામી 10 વર્ષમાં દેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ના ઉત્પાદનને લગભગ 10 ગણું વધારવાનો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 સુધી લાગુ કરવામાં આવશે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા ફરજિયાત બ્લેન્ડિંગ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે બાયોગેસ ખરીદશે. સીએનજી અને પીએનજીમાં બ્લેન્ડિંગ માટે સરકારે નાણાકીય વર્ષ 2026-27 માં 3 ટકા, 2027-28 માં 4 ટકા અને 2028-29 થી આગળ 5 ટકા બ્લેન્ડિંગનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

આ ગોબરધનની યોજના હેઠળ બાયોગેસ ઉત્પાદન માટે એક વ્યાપક અને એકીકૃત વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે, જેમાં ઉત્પાદનની સુનિશ્ચિત ખરીદી (ઓફટેક), સ્થિર કિંમત, મૂડી સહાય, પાઇપલાઇન કનેક્ટિવિટી, ધિરાણ સહાય અને નવી ટેકનોલોજીના વિકાસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. યોજના હેઠળ કૃષિ અવશેષો, છાણ, સુગર મિલોમાંથી નીકળતો પ્રેસમેડ, શહેરી સંસ્થાઓનો જૈવિક કચરો અને અન્ય બાયોમાસમાંથી સ્વચ્છ બળતણ, જૈવિક ખાતર અને ખેડૂતો માટે વધારાની આવકના સ્ત્રોત તૈયાર કરવામાં આવશે, જેનાથી દેશની ઊર્જા સુરક્ષા પણ મજબૂત થશે અને વૈજ્ઞાનિક રીતે કચરાના સંચાલનને પ્રોત્સાહન મળશે.

આ નવી યોજના સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન (SATAT) યોજના, માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (MDA) યોજના, બાયોમાસ એગ્રીગેશન મશીનરી (BAM) યોજના, ડેવલપમેન્ટ ઓફ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) યોજના અને રાષ્ટ્રીય જૈવ ઊર્જા કાર્યક્રમ જેવી યોજનાઓને વધુ બળ આપશે, જેના દ્વારા અત્યાર સુધીમાં દેશભરમાં 200 થી વધુ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. યોજના હેઠળ ઉત્પાદકોને લાંબા સમય સુધી આવકની નિશ્ચિતતા આપવા માટે સરકારે લઘુત્તમ 10 વર્ષ માટેની ભાવ વ્યવસ્થા નક્કી કરી છે, જે હેઠળ બાયોગેસની વહીવટી કિંમત 2110 રૂપિયા પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ નિર્ધારિત કરવામાં આવી છે. આ યોજનાથી આયાતી અશ્મિભૂત બળતણ પર દેશની નિર્ભરતા ઘટશે અને ખેડૂતો તથા ગ્રામીણ સાહસિકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *