ગુજરાતમાં ગોઝારો શુક્રવાર: ભરૂચ-અમરેલીમાં થયેલા બે અલગ-અલગ અકસ્માતમાં 7ના મોત, 51 ઈજાગ્રસ્ત

ગુજરાતમાં આજનો દિવસ ખરેખર ગોઝારો શુક્રવાર સાબિત થયો છે. રાજ્યમાં આજે અકસ્માતની બે અલગ-અલગ ગમખ્વાર ઘટનાઓ સામે આવી છે. જેમાં ભરૂચ અને અમરેલી જિલ્લામાં સર્જાયેલા આ અકસ્માતોમાં કુલ 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 51 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બંને ઘટનાઓને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી

અકસ્માત-1 ભરૂચમાં એક્સપ્રેસ હાઈ-વે પર જાનૈયાઓની બસ અને ટેન્કર વચ્ચે ટક્કર

ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીથી સુરત જાન લઈને જઈ રહેલી લક્ઝરી બસ આગળ જઈ રહેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભીષણ ટક્કરમાં બસના ચાલક નવીન દાના ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે.

અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 જેટલી 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં 6થી 7 વર્ષના નાના બાળકો સહિત કુલ 49 મુસાફરોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 19 લોકોને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય ઈજાગ્રસ્ત અન્ય મુસાફરોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલ ભરૂચ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત-2 અમરેલી: એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં 5ના મોત

બીજી તરફ, અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે મંદિર નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલાથી અમરેલી તરફ આવી રહેલી એસટી બસ અને બાઈક વચ્ચે ટક્કર થતાં બસ ખાડામાં ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બાઈક સવાર એક જ પરિવારના ચાર સભ્યો અને એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળા સહિત કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સોલંકી પરિવારનો માળો વિખેરાયો, નેતાઓ હોસ્પિટલ દોડ્યા

અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામનો સોલંકી પરિવાર બાઈક પર સાવરકુંડલા તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. જેમાં પિતા ગોગન બટુકભાઈ સોલંકી (ઉં.વ. 37), પુત્ર નીતિન (ઉં.વ. 4) અને 6 મહિનાની માસૂમ પુત્રી ધૃતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત થતાં આખો પરિવાર મોતને ભેટ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો અમરેલી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા. અમરેલી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *