Gandhinagar: મેશ્વો અને ખારી નદી પર રૂ. 1,807 લાખના ખર્ચે નવનિર્મિત 06 ચેકડેમોનું લોકાર્પણ, ચેકડેમોમાં 41.89 MCFT પાણીનો સંગ્રહ થશે

દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત 6 ચેકડેમોનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધારીસણા ગામ નજીક ખારી નદી પર રૂ. 2.33 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી તાલુકામાંથી પસાર થતી મેશ્વો અને ખારી નદી પર રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 18.07 કરોડના ખર્ચે કુલ 6 ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે રૂ. 18.07 કરોડના ખર્ચે નવનિર્મિત આ ચેકડેમોમાં કુલ 41.89 મિલિયન ક્યુબિક ફિટ (MCFT) પાણીનો સંગ્રહ થશે. જેના માધ્યમથી આસપાસના 30થી વધુ ગામના ખેડૂતોના 350 હેકટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.


આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખૂણે ખૂણે સુધી નાગરિકોને પીવાલાયક તેમજ સિંચાઈ માટેનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. ઉનાળા દરમિયાન ગુજરાતના જે વિસ્તારોમાં હજુ પણ સિંચાઈના પાણીની સમસ્યા ઉભી થતી હશે, તેવા વિસ્તારોમાં ચેકડેમના માધ્યમથી સિંચાઈનું પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પર 14 ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત્રક નદી પર પણ ચાર નવા ચેકડેમ બનાવીને આસપાસના 10 ગામોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, મેશ્વો નદી પર એક ચેકડેમ હયાત છે. આ નદી પર આજે નવા બે ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બે ચેકડેમનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. આટલું જ નહીં, આગામી સમયમાં મેશ્વો નદી પર બીજા ચાર નવા ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ખારી નદી પર પણ હાલમાં ત્રણ હયાત ચેકડેમ ઉપરાંત આજે નવા ચાર ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ખારી નદી પર બીજા ત્રણ નવા ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ તમામ ચેકડેમોનું કામ પૂર્ણ થતાં ગાંધીનગર અને દહેગામ તાલુકાના 90 થી 95 ગામોના 550 હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
આ વેળાએ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ તેમજ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર અને દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખો, દહેગામ નગરપાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ જળસંપત્તિ વિભાગના સચિવ પી. સી. વ્યાસ તેમજ મુખ્ય ઈજનેર એમ. ડી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાણો રૂ. ૧૮.૦૭ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમથી ગાંધીનગર જિલ્લાના કયા ગામોને મળશે સિંચાઇનો લાભ
મેશ્વો નદી પર વાસણા સોગઠી ગામ પાસે રૂ.5.77 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના લવાડ, વાસણા સોગઠી, શિયાવાડા, અંત્રોલી અને સુવાના મુવાડા ગામના ખેડૂતો મળશે. જ્યારે, વડોદ ગામ પાસે રૂ. 4.41 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ વડોદ, ગઢવાડ, સિમલિયા, લાલાની મુવાડી, પનાપુર, બડોદરા તેમજ મોટી માછસંગસદર ગામના ખેડૂતોને મળશે.
ખારી નદી પર કંથારપુર ગામ પાસે રૂ. 1.84 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના કંથારપુર, મુંધાસણા, ઉદણ, વાસણા ચૌધરી, ચેકલાપગી તેમજ બાબરા ગામના ખેડૂતોને મળશે. વધુમાં, ધારીસણા ગામ પાસે રૂ. 2.33 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના ધારીસણા, આંગજીના મુવાડા, હાલીસા અને પાટનાકુવા ગામના ખેડૂતોને મળશે.
તેવી જ રીતે, ખારી નદી પર નાના જાલુંદ્રા ગામ પાસે રૂ. 1.83 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના નાના જાલુંદ્રા, બિલામણા તેમજ ધનિયોલ ગામના ખેડૂતોને મળશે. આ ઉપરાંત મગોડી ગામ પાસે રૂ. 1.89 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ ગાંધીનગર તાલુકાના મગોડી, વડોદરા, ડભોડા તેમજ ઇસનપુર મોટા ગામના ખેડૂતોને મળશે.