Gandhinagar: ગુજરાતે પંજાબના પૂર પીડિતો માટે કપડા-દવા અને કરિયાણું ભરેલી ટ્રેન મોકલી, 5 કરોડનો ચેક પણ મોકલ્યો

પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. આજે(11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી હતી.
આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્ત્વે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે. ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતમાં કોઈપણ ખૂણા ઉપર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી કપડા સુધીની વસ્તુઓ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ આ ટ્રેનની સાથે રવાના થયા છે. સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું કે આજે બનાસકાંઠામાં પણ મંત્રી જગદીશભાઈ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ નિરીક્ષણ કરશે. સાથે મંત્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ, ચીજવસ્તુઓ ત્યાંથી રવાના કરી છે. છત્તીસગઢમાં પણ લગભગ 8000 જેટલી કીટ બનાવી જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈપણ પૂર પછી જેની જરૂર પડતી હોય, તમામ ચીજ વસ્તુઓની યાદ કરી, લિસ્ટ બનાવી અને એ તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે.
આ પણ વાંચો, Aravalli (Modasa): બાયડમાં કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કર; પતિ-પત્ની-પુત્રનાં મોત, કારચાલક ફરાર