Gandhinagar: 161 સરકારી-સમરસ છાત્રાલયોમાં 16,597 વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથમ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયોમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી છે.

આ મેરીટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ ૮૦ છાત્રાલયોના ૨,૨૩૧ કુમાર અને ૧,૬૭૧ કન્યા મળીને કુલ ૩,૯૦૨ વિદ્યાર્થીઓ તેમજ વિકસતી જાતિ ક્લ્યાણ હેઠળ ૫૮ છાત્રાલયોના ૧,૮૫૫ કુમાર અને ૯૬૫ કન્યા મળીને કુલ ૨,૮૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના ૨૩ છાત્રાલયોના ૫,૩૨૨ કુમાર અને ૪,૫૫૩ કન્યા મળીને ૯,૮૭૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ ૨૦૨૫-૨૬ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. આજે મેરીટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં SMS માધ્યમથી જાણકારી આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના વિવિધ સરકારી છાત્રાલયો તેમજ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, આ અરજીઓની ચકાસણી બાદ મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં સરકારી છાત્રાલયો શરૂ કરાવવામાં આવ્યા છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહીદ, અનુસુચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક વિક્રમસિંહ જાદવ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Ahmedabad: કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી, કુલ 1087 જેટલા કેસોનો આખરી નિકાલ થયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *