‘દોસ્ત મોદી ટેરિફ તો લાગશે જ, દલીલ નહીં જ ચાલે’, અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફથી ભારત નહીં બચી શકે- ટ્રમ્પ

ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં તેમના પ્રચાર અભિયાનમાં જણાવ્યું હતું કે મારા શાસનમાં તમને એક શબ્દ ખાસ સાંભળવા મળશે, આ શબ્દ છે રેસિપ્રોકલ ટેરિફ. હવે આ જ વાતને તે સાચી પાડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મેં ભારતીય વડાપ્રધાન મોદીને સ્પષ્ટ જણાવી દીધું છે કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફથી ભારત નહીં બચી શકે. આમ મોદી-ટ્રમ્પની મિત્રતાનો પરપોટો ફૂટી ગયો છે.

રેસિપ્રોકલ ટેરિફને લઈને મારી સાથે કોઈ દલીલ ન કરી શકે તેમ ટ્રમ્પે મોદીને સ્પષ્ટ સુણાવી દીધું છે. આમ પીએમ મોદી સાથે વ્યક્તિગત રીતે સારા સંબંધો છતાં પણ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેક્સના મોરચે ભારત સાથે જરા પણ કૂણા પડયા નથી. ટ્રમ્પના નિવેદનોએ ભારત-અમેરિકાની મિત્રતાનો પરપોટો એકઝાટકે ફોડી દીધો છે. બંને વચ્ચેની મિત્રતા જાણે કપોળકલ્પિત વાતો જ લાગે છે. આ જોતાં તો પીએમની અમેરિકાની મુલાકાત જાણે ખાયા પીયા કુછ નહીં અને ગ્લાસ તોડા બારહ આના જેવી બની રહી હોય તો આશ્ચર્ય નહીં થાય. ટ્રમ્પ-મોદી વચ્ચેની બેઠકમાં ફક્ત ભાવિ ઇરાદાઓ જ વ્યક્ત કરવામાં આવ્યા છે, કશું નક્કર નથી.

ટ્રમ્પ તંત્ર તેમના ટ્રેડિંગ પાર્ટનર સાથે તેઓ લાદે છે તેટલો જ ટેક્સ લાદવા માટે દિવસ રાત કવાયત કરી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય મંત્રણામાં પીએમ મોદીને જણાવ્યું હતું કે અમે શું કરવાના છીએ. તમે અમારી પાસેથી જેટલો ટેક્સ ચાર્જ કરો છો તેટલો જ ટેક્સ અમે તમારી પાસેથી વસૂલીશું. ફક્ત ભારત જ નહીં અમે લગભગ અમારા બધા ટ્રેડિંગ પાર્ટનર સાથે આમ કરવાના છીએ. ભારત અમેરિકામાંથી થતી આયાત પર ઘણા ઊંચા દરે વેરો નાખે છે. તેમા પણ ઓટોમોબાઇલની આયાત પર તો 100 ટકાના દરે વેરો લાદવામાં આવે છે, મસ્કે પણ ટ્રમ્પની વાતને સમર્થન આપ્યું હતું. તેના લીધે અમેરિકાની કોઈપણ કાર કંપની માટે કારની નિકાસ કરવી લગભગ અશક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *